Updated: Dec 21st, 2023
ગાંધીનગર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર
ઉપવાસ હોવાથી ફરાળ કરવા માટે ફ્ટ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યો કાર ચાલક હડફેટે લઈ ફરાર
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર ફતેપુરા પાસે
આજે સવારના સમયે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધાને હડફેટે લઈ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો
અને ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં
ફરજના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં ફરાર થઈ ગયેલા
કાર ચાલકની પેથાપુર પોલીસ દ્વારા શોધખોળ શરૃ કરવામાં આવી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં
છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓએ
માથું ઊંચક્યું છે ત્યારે પેથાપુર મહુડી હાઇવે ઉપર ઉપર હિટ એન્ડ રનની વધુ એક
ઘટનામાં ફતેપુરામાં રહેતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. જે ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર મહુડી હાઇવે ઉપર
કૈલાશધામની પાછળ ફતેપુરા ખાતે રહેતા વૃદ્ધા બાલુબેન માલાજી ઠાકોરને ઉપવાસ હોવાથી
આજે સવારના સમયે તેઓ ફરાળ લેવા માટે ઘરેથી નીકળ્યા હતા અને તે દરમિયાન પેથાપુર
મહુડી હાઇવે ઉપર ફતેપુરા ત્રણ રસ્તા પાસે ચાલતા જઈ રહ્યા હતા તે વખતે પૂર ઝડપે જઈ
રહેલા કાર ચાલકે બાલુબેનને અડફેટ લીધા હતા. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા
હતા. જોકે અકસ્માત સર્જીને કારનો ચાલક કાર લઈને ફરાર ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા
બાલુબેનને સારવાર માટે ખાનગી વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તો અકસ્માતની આ
ઘટના અંગે તેમના પુત્ર રમણજી ઠાકોરની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ગુનો દાખલ
કરીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને પકડવા માટે મથામણ શરૃ કરી છે. જિલ્લામાં વધી રહેલી
હિટ એન્ડ રનની ઘટનાઓ વચ્ચે પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરવી
પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.