ગુજરાત સરકારના ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જીવ આપીશું પણ જમીન નહિ આપીએ તેવો હુંકાર પણ સ્થાનિકોએ કર્યો હતો.
.
સ્થાનિકોને જાણ કર્યાં વગર જમીન સંપાદન કરાઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પંડાલય અને મોરણના ખેડૂતોએ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આજરોજ ભરૂચ કલેક્ટરને રાજ્યપાલને સંબોધીને એક આવેદનપત્ર પાઠવી આક્ષેપ કર્યો હતો કે, આ વિસ્તારમાં ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ પંડાલય અને મોરણ ગામના વિસ્તારની ખેતીની જમીન ગુજરાત ખાણ ખનીજ વિભાગ નિગમ દ્વારા જમીન સંપાદન કરી કોલસા માટે ખોદકામ થનાર હોવાનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાત ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈપણ ગ્રામ સભામાં ઠરાવ સહિત ખેડૂતોને જાણ કર્યા વગર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આદિવાસી ખેડતો જમીન વિહોણા બની જશે જેનો ખેડૂતો અને ગ્રામજનોએ સખત વિરોધ નોધાવ્યો છે. જો આવું કરવામાં આવશે તો આવનારા સમયમાં હજારો ખેડૂતોએ જમીન વિહોણા થઈ જવું પડશે જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોના બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. આ જમીન સંપાદન તાત્કાલિક અટકાવી આદિવાસીઓનું જીવન બચાવવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક લોકોએ જીવ આપીશું પણ જમીન નહીં આપીએ હોવાની ચીમકી પણ ઉચ્ચારી છે.