જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહના પ્રારંભે મંડાયેલા મેઘરાજાએ શનિવારે પુનરાગમન કર્યુ હતુ જેમાં લાલપુર પંથકમાં બપોર બાદ બે કલાકમાં જ ધોધમાર ત્રણ ઇંચથી વધુ પાણી વરસી ગયુ હતુ. દ્વારકામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ રમતા અડધા કલાકમાં અડધો ઇંચથી વધુ
.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણ ફરી પલટાયુ હતુ જેમાં ઠેર ઠેર ભારે વરસાદી માહોલ વચ્ચે લાલપુરમાં ચાર વાગ્યા બાદ શરૂ થયેલો વરસાદ ધોધમાર વરસતા બે કલાકમાં જ ત્રણ ઇંચ જેટલુ પાણી વરસાવી દિઘુ હતુ જેના પગલે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા ક્ષણિક દ્રશ્યો સર્જાયા હતા.
જયારે કાલાવડમાં પણ સાંજે હળવા ભારે ઝાપટાઓ વરસવાનુ શરૂ થયુ હતુ જેમાં છ વાગ્યા સુધીમાં છ મીમી પાણી પડયુ હતુ. ધ્રોલમાં મોડીસાંજે હળવા-ભારે ઝાપટા પડ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લો ચાલુ વર્ષે રાજયમાં સૌથી વધુ વરસાદનો રેકર્ડ ધરાવે છે ત્યારે શનિવારે બપોર બાદ ફરી વરસાદે લટાર મારી હતી જેમાં દ્વારકામાં સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.તોફાની વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા.સાંજે છ વાગ્યા સુધીમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં બપોરથી મોડી સાંજ સુધીમાં સમયાંતરે વરસેલા હળવા ભારે ઝાપટાઓએ ચાર મીમી પાણી વરસાવી દિઘુ હતુ. જયારે કલ્યાણપુરના ભાટીયા પંથકમાં સાંજે મુશળધાર વરસાદે માર્ગો પર એક તબકકકે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય ખડા કર્યા હતા.લગભગ એક કલાક સુધી યથાવત હળવા ભારે વરસાદે પોણો ઇંચ જેટલુ પાણી ઠાલવી દિઘુ હોવાના અહેવાલ મળ્યા છે. જયારે ગ્રામ્ય પંથકમાં પણ હળવા ભારે વરસાદના વાવડ મળ્યા છે.
કાલાવડ | વીજળી પડતાં વધુ એક યુવાનનો ભોગ
કાલાવડ તાલુકાના વાવડી પંથકમાં વીજળી પડતાં એક યુવાને જીવ ગૂમાવ્યાનો બનાવ બહાર આવ્યો છે. કાલાવડ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં 4 વાગ્યા બાદ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જે દરમિયાન વાવડી પંથકમાં વીજળી પડતા સંદીપભાઈ રાતડીયા નામના યુવાનનું મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. ભોગગ્રસ્ત યુવાન વાવડી પંથકમાં પશુ ચરાવવા માટે ગયો હતો ત્યારે વીજ ત્રાટકનો ભોગ બન્યાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી ગઈ હતી.