સોમનાથ મંદિર પર નેવું અંશના અક્ષાંસે ચંદ્ર આવે છે વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ આ ભૂમિ એવા સ્થળે આવેલી છે કે પૃથ્વી પર બીજે ક્યાંય શક્ય નથી પૂનમના દિવસે ભૌગોલિક સંયોગ યોજાશે : ચંદ્ર સોમનાથ મહાદેવની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરે છે એટલે શિવજીનું એક લાડકવાયું નામ ચંદ્રમૌલિશ્વર છે
પ્રભાસપાટણ, : કરોડો ભક્તોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા દેશના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મધ્યરાત્રીએ બાર કલાકે અદભૂત ખગોળિય સંયોગ રચાય છે, જે વર્ષમાં ફકત એક જ વાર હોય છે. કાર્તિકી પૂર્ણિમાની રાતે ચંદ્ર દેવ સોમનાથ મંદિર શિખર ઉપરનું ત્રિશુલ ધ્વજદંડ અને સોમનાથ જયોતિર્લિંગ એક જ સમક્ષિતિજમાં આવે છે.
માનવામાં આવે છે કે જે સ્થાન ઉપર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મૂકિત આપી હતી તે જ સ્થાન ઉપર સોમનાથ મહાદેવનો ચંદ્રિકા અભિષેક કરવા માટે પ્રતિ વર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાતે ચંદ્રદેવ પોતે જ સ્વયં પધારે છે અને પોતાની પ્રભા એટલે કે શિતળ ચાંદનીથી સોમનાથ મંદિર પર અભિષેક કરે છે. આ સંયોગને ચંદ્રની અમૃતવર્ષા તરીકે ઓળખવામાં આવે છે. આ અદભુત નજારો ભાવિકો નિહાળી શકે એ માટે સોમનાથ મહાદેવ મંદિરમાં રાતે બાર કલાકે વિશેષ મહાપૂજા રાખવામાં આવે છે અને કાર્તિક પૂર્ણિમાએ રાતે એક વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવે છે. નિહાળનારાઓ કહે છે કે એ દ્રશ્ય એવું હોય છે કે શિવજીના મસ્તક પર જાણે કે ચંદ્ર ધારણ થયો હોય ..! અન્ય દિવસોમાં પણ સોમ એટલે કે ચંદ્ર શિવમંદિરની પ્રદક્ષિણા કરતાં કરતાં શિવસ્તવન કરી રહ્યો હોય એવી શ્રદ્ધાની અનુભૂતિ ભકતો માને છે. એક મત મુજબ સોમનાથ મંદિર પર નેવું અંશના અક્ષાંસે ચંદ્ર આવે છે. આમ વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ આ ભૂમિ એવા સ્થળે આવેલી છે કે પૃથ્વી પર બીજે ક્યાંય શક્ય નથી ! તેથી જ આપણા અનેક ઋષિમુનિઓએ ઊર્જાની સકારાત્મક ભૂમિ ગણી અહી પ્રભાસક્ષેત્રમાં તપ કરીને પાવન કરી છે.