વીરપર ગામેથી અનધિકૃત રીતે ખનીજ ખનન ઝડપાયું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા ગુરુવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં અનઅધિકૃત રીતે બોક્સાઈટની થતી ચોરી ઝડપાઈ હતી. જેમાં ખનીજ સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી. બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.એસ.આઈ. આકાશ બારસિયા તથા એસ.એસ. ચૌહાણ અને સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ તેમજ પ્રવીણભાઈ માડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર નજીક આવેલા વીરપર ગામની સીમમાં રહેલા સરકારી ખરાબાની જગ્યામાંથી ગેરકાયદેસર રીતે બોક્સાઈટ ખનીજનું ખોદકામ કરી અને બિનવારસુ રીતે સંગ્રહ કરાયો હોવાથી એલ.સી.બી. પોલીસ તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં આ સ્થળેથી રૂપિયા 3.50 લાખની કિંમતના 300 ટન જેટલા બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે બોક્સાઈટ તેમજ બોક્સાઈટ ચાળવા માટે લોખંડના ચારણા મળી કુલ રૂપિયા 3,75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ સ્થળે કોઈ શખ્સ મળી આવ્યો ન હતો. જે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
જુના મનદુઃખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો ભાણવડ તાબેના ઘુમલી ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે ડાયાભાઈ ચનાભાઈ ચાવડા નામના 23 વર્ષના યુવાનને જુના મનદુઃખનો ખાર રાખીને જીવા બાધા ચાવડા (રહે. કિલેશ્વર નેસ) તથા અન્ય એક અજાણ્યા શખ્સે બિભત્સ અપશબ્દો બોલી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઈ છે.
વિદેશી દારૂ સાથે ભાણવડનો શખ્સ ઝડપાયો ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે આવેલી ખારી વિસ્તારમાં રહેતા રાકેશ ઉર્ફે નિખિલ દેવાભાઈ મોરી નામના 21 વર્ષના શખ્સને એલસીબી પોલીસે ઢોર બાંધવાના વાડામાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 12,364ની કિંમતની વિદેશી દારૂની 22 બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે મોટા કાલાવડ ગામના જયેશ દેવાભાઈ મોરીનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં વિધિવત રીતે ગુનો નોંધાયો છે
માછીમારી કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સ સામે કાર્યવાહી ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રહીશ દિનેશ કાનાભાઈ રાઠોડ નામના 37 વર્ષના માછીમારી યુવાને ફિસરીઝ વિભાગનું ટોકન મેળવી અને માછીમારી કરીને પરત આવ્યા બાદ ટોકન જમા નહીં કરાવી, ફિશરીઝ એક્ટનું ઉલ્લંઘન કરતા તેની સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.