અગાઉના ઝઘડાની અદાવત રાખીને
યુવાને જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા અદાવત રાખીને કારમાં આવેલા ચાર શખ્સોએ હુમલો કર્યો ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : દહેગામમાં જાહેરમાં ગાળો બોલવાની ના પાડનાર યુવાન ઉપર અદાવત
રાખીને ગઈકાલે કારમાં આવેલા ત્રણ સગીર સહિત ચાર શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો
હતો. જે પૈકી મુખ્ય આરોપીએ ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
જે સંદર્ભે ઘાયલ યુવાનને ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો અને આ મામલે દહેગામ પોલીસે
ચાર સામે ગુનો દાખલ કર્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
દહેગામમાં આથમણા દરવાજા પાસે રબારીવાસમાં રહેતા સુનિલ સહદેવભાઈ દેસાઈએ ફરિયાદ
નોંધાવી હતી કે, તે અને
તેનો ભાઈ ધામક દહેગામ નેહરુ ચોકડી પાસે પાન પાર્લર ઉપર ઉભા હતા તે દરમિયાન
લીમ્બચમાતાની ફળીમાં રહેતો સગીર જોર જોરથી
ગાળો બોલતો હતો. જેના પગલે ધામકે આ જાહેર જગ્યા હોવાથી ગાળો બોલવાની ના પાડી હતી.
જેથી તે ત્યાંથી જતો રહ્યો હતો ત્યારબાદ તેઓ દહેગામમાં મિત્રો સાથે બિગ હીટર્સ
ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ રમવા માટે ગયા હતા તે દરમિયાન ધામક બહારની બાજુ ઉભો હતો.
જ્યાં રાત્રિના સમયે એક કાર આવી હતી અને તેમાં આ સગીર તેનો ભાઈ સુરદીપસિંહ ભાવસિંહ
ઝાલા દેહગામમાં રહેતા બે સગીર ત્યાં આવ્યા હતા.
આ દરમિયાન સુરદીપે ધામકને લાફો મારી દીધો હતો અને કહ્યું
હતું કે તું મારા ભાઈને કેમ બોલતો હતો. જેથી સગીરે પણ તું મને જતો રહેવાનું કહેતો
હતો તેમ કહીને તેના હાથમાં રહેલી છરી ગળાના ભાગે મારી દીધી હતી અને બે થી ત્રણ ઘા
ઝીંકી દીધા હતા ત્યારબાદ અન્ય શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને જેના પગલે
આસપાસના લોકો દોડી આવતા આ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને કારમાં જતા રહ્યા
હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તે આવી પહોંચી હતી અને ઘાયલ ધામકને
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે દહેગામ
પોલીસે ચારે શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરી હતી.