વાપી રેલવે સ્ટેશન પર બાંદ્રા-ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસના 350થી વધુ મુસાફરો 11 કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા. રવિવારે સવારે 7 વાગ્યે આવનારી ટ્રેનની રેક લેટ આવી હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
.
રેલવે વિભાગ પાસે મુસાફરોના સંપર્ક વિગતો હોવા છતાં કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. રેકની સફાઈ, પાણી ભરવાની કામગીરી અને અન્ય કાર્યો માટે ટ્રેનને મોડી કરવાનો નિર્ણય લેવાયો હતો. કાળઝાળ ગરમીમાં મુસાફરો માટે રેલવે તરફથી નાસ્તા-પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
આ પરિસ્થિતિમાં વાપીની NGO જમીયત ઉલેમા ટ્રસ્ટના ઇન્તેખાબ ખાનની ટીમે માનવતા દાખવી હતી. તેમણે મુસાફરો માટે 500 પેકેટ બિસ્કિટ અને 500 બોટલ પાણીની વ્યવસ્થા કરી હતી. સાથે જ મુસાફરોને બેસવા માટે મંડપની વ્યવસ્થા પણ કરી હતી.

રેલવેના સહાયક રીજનલ મેનેજર (ARM)નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં. આગલા દિવસથી જ રેલવે વિભાગને આ સ્થિતિની જાણ હોવા છતાં કોઈ તકેદારી લેવામાં આવી ન હતી. આ ઘટનાને કારણે વાપી સહિત સમગ્ર રૂટ પર હજારો મુસાફરો 12 કલાકથી વધુ સમય સુધી અટવાયા હતા. મુસાફરોમાં રેલવે વિભાગની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.

