સોમનાથ મંદિર નજીક આવેલા મારૂતિ બીચ પર આગામી 18થી 21 માર્ચ દરમિયાન ભવ્ય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં બીચ હેન્ડબોલની 84 અને બીચ વોલીબોલની 205 ટીમોમાં કુલ 1800 ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દાખવશે.
.
ફેસ્ટિવલની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળાની ઉપસ્થિતિમાં પ્રાંત ઓફિસ ખાતે બેઠક યોજાઈ હતી.
કલેક્ટર જાડેજાએ જણાવ્યું કે આ આયોજન 2036ની ઓલિમ્પિક સ્પર્ધાની પૂર્વતૈયારી રૂપે છે. તેમણે ટ્રાન્સપોર્ટેશન, પાર્કિંગ, ભોજન વ્યવસ્થા, પાણી પુરવઠો અને આરોગ્ય સુવિધાઓ જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળા અને જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયાએ ખેલાડીઓ માટેની રહેઠાણ અને પરિવહન વ્યવસ્થા સહિતની તમામ સુવિધાઓની રૂપરેખા રજૂ કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.