ગીર સોમનાથ જિલ્લામાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા 34મી વીર સાવરકર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આદ્રી બીચ ખાતે મહિલાઓ માટે અને ચોરવાડ બીચ ખાતે પુરુષો માટે સ્પર્ધા યોજાઈ.
.
વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો. પુરુષ વિભાગમાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્ય અને મહિલા વિભાગમાં કર્ણાટકના ડિમ્પલ ગૌડાએ પ્રથમ સ્થાન મેળવ્યું.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્પર્ધકોના સાહસની પ્રશંસા કરી હતી. વિજેતાઓને રાજ્ય સરકાર તરફથી પ્રથમ ક્રમાંક માટે રૂ.50,000, બીજા ક્રમાંક માટે રૂ.35,000 અને ત્રીજા ક્રમાંક માટે રૂ.25,000નું ઇનામ આપવામાં આવ્યું. ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ (21 નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધા તેમણે 04 કલાક 47 મિનિટ અને 26 સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળના સાગર સાહાએ 05 કલાક 08 મિનિટ 40 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ગુજરાતના ધ્રુવ ટાંકે 05 કલાક 12 મિનિટ અને 02 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે બહેનો માટે આદ્રીથી વેરાવળ (16 નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં કર્ણાટકના ડિમ્પલ ગૌડાએ 03 કલાક 33 મિનિટ અને 25 સેકન્ડમાં તરણ સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે સુરતની તાશા મોદીએ 03 કલાક 36 મિનિટ અને 51 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો ક્રમાંક અને મહારાષ્ટ્રની અનુજા ઉગ્લેએ 03 કલાક 41 મિનિટ અને 57 સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

પૂજ્ય મોટા હરી ઓમ આશ્રમ તરફથી પણ વિજેતાઓને પ્રથમ ક્રમાંક માટે રૂ.75,000, બીજા ક્રમાંક માટે રૂ.40,000 અને ત્રીજા ક્રમાંક માટે રૂ.26,000ની પુરસ્કાર રાશિ આપવામાં આવી. વધુમાં, 4થી 10 ક્રમાંકના સ્પર્ધકોને રૂ.9,999ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
