મોરબીમાં હનુમાનજયંતી નિમિત્તે પ્રસાદી લેવા જતા બે કૌટુંબિક ભાઈને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. ખારચિયાથી આમરણ ગામ તરફ જતા રસ્તે નેશનલ હાઈવે પર પાર્ક કરેલા ટ્રક કન્ટેનર સાથે બાઇક અથડાતાં એક યુવાનનું મોત નીપજ્યું છે.
.
બનાવની વિગતો મુજબ, નવા ખારચીયા ગામના સાહિલ રમેશભાઈ બોપલિયા (20) પોતાના કૌટુંબિક ભાઈ આર્યન (16) સાથે બાઇક પર આમરણ ગામે હનુમાનજીના મંદિરે પ્રસાદી લેવા જઈ રહ્યા હતા. રસ્તામાં નેશનલ હાઈવે પર રોડની સાઈડમાં પાર્ક કરેલા ટ્રક કન્ટેનર (GJ-12-AT-8284) સાથે તેમનું બાઇક (GJ-10-BE-1750) અથડાયું હતું.
અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા સાહિલને મોઢા, કાન અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા આર્યનને મોઢાના ભાગે ફ્રેક્ચર અને માથામાં હેમરેજ થયું છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઘટના અંગે આર્યનના પિતા રમેશભાઈ રેવાભાઈ બોપલિયા (50)એ મૃતક સાહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.