ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે આ ચૂંટણી માટે ભાજપે કો- ઓર્ડિનેટરની નિમણૂંક કરી છે. તદુપરાંત જિલ્લા દીઠ પ્રભારી, સંયોજક અને સહ સંયોજકની પણ નિયુક્તિ કરી અને સ્થાનિક વર્તમાન તથા પૂર્વ પદાધિકારીઓને જવાબદારી સોંપી
.
રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
સામાન્ય સાથે પેટાચૂંટણી પણ યોજાશે સામાન્ય ચૂંટણીની સાથે જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે
હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થાય રાજ્યમાં 4000 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાવાની બાકી છે. પરંતુ, રિઝર્વેશનની કામગીરી ચાલુ હોય હાલ તેની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ કરાશે.
આ કારણોસર હાલ અહીં ચૂંટણી નહીં મોરબી, બોટાદ, બોરસદ, સોજીત્રા અને વાંકાનેર નગરપાલિકાને ડિસોલ્વ કરવામાં આવી છે. બોરસદ અને સોજિત્રામાં હાલ અનામતના મામલાના કારણે ચૂંટણી જાહેર કરાય નથી. જ્યારે નખત્રાણા અને વાઘોડીયામાં સીમાંકન બાકી હોવાના કારણે ચૂંટણી નહીં થાય.
ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ જાહેર કરવા કોંગ્રેસની માગ રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ખેડા જિલ્લા પંચાયત સહિત કેટલીક નગરપાલિકાઓની ટર્મ પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી જાહેર ન કરાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ જાહેર કરી લોકોને વહીવટદારોના શાસનમાંથી મુક્તિ આપવાની માગ કરી હતી.