દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી…
.
ઘાટલોડિયા વોર્ડની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારના નામથી નેતા-કાર્યકર્તામાં નારાજગી રાજ્યમાં સૌથી હાઈ પ્રોફાઈલ ગણાતી એવી અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી યોજાઈ છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થતાની સાથે જ કેટલાક ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓમાં આશ્ચર્ય ફેલાયું હતું. ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વોર્ડના જ એક હોદ્દેદારને ટિકિટ મળવાની આશા હતી. તેને ટિકિટ મળે તેના માટે વિધાનસભાના ઉચ્ચ નેતાઓથી લઇને અનેક હોદ્દેદારોએ પણ એમના નામની ભલામણ કરી હોવાની ચર્ચા છે. જોકે, ઘાટલોડિયા વિધાનસભામાં કેટલાક સમયથી ચાલતા જૂથવાદ બાદ હવે પેટા ચૂંટણીની ટિકિટમાં આશ્ચર્યજનક રીતે ઉમેદવાર જાહેર થતા કેટલાક યુવા નેતાઓથી લઇને વર્ષોથી પાર્ટીમાં કામ કરનારા સિનિયર કાર્યકર્તાઓમાં પણ ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે.
અમદાવાદના ભાજપ કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નો કરતા લગ્નપ્રસંગો વધુ મહત્વના લાગ્યા નાગરિકો દર પાંચ વર્ષે યોજાતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે, પરંતુ મતદારોના મતથી ચૂંટાઈને આવતા પ્રજાના પ્રતિનિધિ કહેવાતા એવા અમદાવાદના ભાજપના કોર્પોરેટરોને પ્રજાના કામો કરવામાં કોઇ રસ હોતો નથી. જાન્યુઆરીની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોની ગેરહાજરી અને કેટલાક કોર્પોરેટરો તો સામાન્ય સભા શરૂ થયાના 10 મિનિટમાં માત્ર કાગળમાં હાજરી પુરાવી અને રવાના થઈ ગયા હતા. ભાજપના કોર્પોરેટરોને પ્રજાકીય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં કોઇ રસ નહોતો. માત્ર તેઓ હાજરી પુરાવી અને નીકળી ગયા હતા. કેટલાક કોર્પોરેટરોનું કહેવું છે કે, લગ્ન સીઝન ગાળો છે જેના કારણે લોકો જતા રહ્યા હતા. જોકે, મહિનામાં એક વખત મળતી સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો કરતા લગ્નને વધુ મહત્વ આપી કોર્પોરેટરો હાજર રહ્યા નહોતા.
દબાણ મુદ્દે હાઈકોર્ટની અવારનવાર ટકોર છતાં AMCના બે અધિકારીને કોઇ ફરક પડતો નથી ગુજરાત હાઈકોર્ટ ગમે એટલી ટકોર કરે પણ AMCના એક ઇન્સ્પેક્ટર- આ.ટિડિઓને ફરક પડતો નથી ટ્રાફિક અને દબાણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર ટકોર થતા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને કોઈ ગંભીરતા જોવા મળતી નથી. AMC એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા એક ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટિડિઓ તેમના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હોય કે રોડ રસ્તા હોય ક્યાંય પણ કડક હાથે કામગીરી કરતા નથી. રોડ ઉપર લારી ગલ્લાવાળાના કારણે દબાણ થાય છે છતાં પણ ત્યાંથી હટાવવામાં આવતા નથી. રોડ ઉપર દબાણ દૂર કરવાની સીધી જવાબદારી ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટિડિઓની હોવા છતાં પણ તેઓ દ્વારા કડક કામગીરી થતી નથી, જેથી આવા અધિકારીઓને જ હવે હાઇકોર્ટમાં ઉભા રાખવા જોઈએ તેવી ચર્ચા જાગી છે.
લ્યો બોલો… ભાજપના કાર્યકર્તાઓએ ચાલુ ધારાસભ્યને પૂર્વ બનાવી દીધા ભાજપના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જોકે, એક કાર્યકર્તાએ ભાજપના ચાલુ ધારાસભ્યને પૂર્વ ધારાસભ્ય બનાવી અને તેમના નામ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ તેવો મેસેજ કર્યો હતો. જે બાદ બીજા કાર્યકર્તાઓએ પણ તેમના જ મેસેજને કોપી કરી અને ધારાસભ્યને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા. પૂર્વ ધારાસભ્યના જન્મદિવસને ચાલુ ધારાસભ્યનો જન્મદિવસ હોવાનું કેટલાક લોકો માની રહ્યા હતા, પરંતુ તેમને પણ મેસેજમાં પૂર્વ ધારાસભ્ય જ લખી દીધું હતું. જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાના ઉત્સાહમાં ખોટો મેસેજ પણ કોપી પેસ્ટ કરી દીધો હતો. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચર્ચા જાગી હતી કે, હજી તો ચાલુ ધારાસભ્ય છે અને લોકોએ તેઓને પહેલાથી જ પૂર્વ બનાવી દીધા છે.
હાઉસિંગ બોર્ડમાં દબાણો દૂર કરવાની કામગીરી વચ્ચે કોંગ્રેસ આગેવાને દબાણ કરી દીધું ગુજરાત હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના મકાનોમાં ગેરકાયદેસર રીતે માર્જિનની જગ્યામાં લોકો દ્વારા દુકાનો મકાનો બનાવીને ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં હાઉસિંગ બોર્ડ દ્વારા આવા દબાણો દૂર કરાતા નથી. ભાજપના એક ધારાસભ્ય ગુજરાત હાઉસિંગ બોર્ડના બોર્ડમાં થયેલા દબાણોને દૂર કરવાની રજૂઆતો કરે છે તો બીજી તરફ કોંગ્રેસના એક આગેવાન ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી દીધી છે. કોંગ્રેસના સ્થાનિક આગેવાને હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે દુકાનો બનાવી છે. એકતરફ હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદેસર જે દબાણો થયા છે તેને દૂર કરવાની કામગીરી વચ્ચે કોંગ્રેસના આગેવાને દબાણ કરી દીધું છે.