અમદાવાદમાં અનેક લોકોની રોજીરોટી સમાન કારને ભાજપના એક નેતા પુત્રે બારોબાર વેચી મારી હતી. એક વર્ષથી ચાલતા આ રેકેટમાં વિસનગરના ભાલક ગામનું નામ ઉછળ્યું છે. આરોપી પ્રિન્સ મિસ્ત્રીએ રાજ્યમાં સૌથી વધુ પોલીસકર્મીઓની વસતી ધરાવતાં આ ગામમાં બારોબાર ભાડે લીધેલી
.
એક વર્ષ સુધી કારો વેચી મારી તેણે કોઈને ગંધ ન આવવા દીધી
અનેક ગરીબોની રોજી-રોટી માટેની ગાડીઓ એક ભાજપ નેતાના પુત્ર પ્રિન્સે લાલચ આપીને સગેવગે કરી દીધી છે. એટલું જ નહીં, આ સમગ્ર રેકેટ તેણે એક વર્ષ પહેલાંથી શરૂ કર્યું હતું. પરંતુ એક કારનામાંમાં જે રીતે છેલ્લે સુધી કૌભાંડનો છેડો મળતો નથી, તે રીતે જ આ રેકેટ ચાલતું ગયું હતું અને આખરે સમગ્ર ફાંડો ફૂટ્યો હતો. હવે ચોંકાવનારી બાબતે એ છે કે, આ વેચાયેલી ગાડીઓમાં મોટાભાગની ગાડીઓ સૌથી વધુ પોલીસ કર્મચારીઓની વસ્તી ધરાવે છે, તેવા વિસનગરના ભાલક ગામમાં વેચાઈ છે અને ભાલકનું નામ ઉછળ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો
બારોબાર વેચાયેલી 50 જેટલી ગાડીઓ રિકવર
પ્રિન્સ અને એક આઈજીના ખાનગી માણસે ભેગા મળીને ભાલકમાં ગાડીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર મામલો કોંગ્રેસના ધારાસભ્યના ધ્યાને આવ્યા બાદ સામે આવ્યો છે. હવે આ રેકેટમાં 50 જેટલી ગાડીઓ રિકવર થઈ છે. જ્યારે જે લોકોએ ગાડીઓ સસ્તામાં લઈ લીધી હતી. તેઓને કદાચ બચાવવામાં આવે તેવું લાગી રહ્યું છે, પરંતુ એક આઈજીપીના માણસની પૂછપરછ કરવામાં આવશે અને તેની કેટલી સંડોવણી છે, તે અધિકારીઓની ભલામણના બાદ સામે આવશે.
વિસનગરના ભાલકમાં 80%થી વધુ પરિવારો પોલીસ ફોર્સમાં
ગુજરાત પોલીસમાં જ્યારે પોલીસ કર્મચારીઓની વાત આવે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પોલીસની વાત આવે, ત્યારે વિસનગરના ભાલક ગામનું નામ ચોક્કસ આવે છે. કારણ કે, આ એવું ગામ છે જ્યાં 80%થી વધુ પરિવારો એવા છે, જ્યાં પોલીસ કર્મચારીઓ છે અથવા તેમના સ્વજનો અહીંયાથી પોલીસ ફોર્સમાં જોડાયા છે. ગુજરાતભરમાં અહીંયાથી સિલેક્ટ થયેલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે.
લોકોની કાર બારોબાર વેચી નાખી હતી
અનેક કારમાલિકોને ભાડાની લાલચ આપી કાર લીધી
અમદાવાદનો પ્રિન્સ મિસ્ત્રી જેનો પરિવાર ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. તેના પરિવારના નામે શહેરમાં માર્ગના નામકરણ પણ થયું છે, પરંતુ દીવાસળે તળે અંધારું હોય તેમ પ્રિન્સે આ બધા પર પાણી ફેરવી નાખ્યું છે. પ્રિન્સ એક વર્ષ પહેલા હોલ્ડિંગ્સનું કામ કરતો હતો અને ધીમેધીમે તેને શોર્ટકટથી રૂપિયા કમાવવાની લાલચ જાગી હતી અને તેના સંપર્કમાં કેટલા ગુનેગારો પહેલાથી જ હતા. તે સમયે તેણે પહેલા એક-બે વ્યક્તિને કહ્યું કે, જો તું તારી કાર મને આપીશ, તો તને રોજના 1000થી 1100 રૂપિયા ભાડું મળશે. એટલે મહિને 33 હજાર રૂપિયા જેટલી રકમ થાય. આવી વાત કરતા કેટલાક ટેક્સી ચાલકો વાતમાં આવી ગયા અને તેમણે પોતાની કાર પ્રિન્સને આપી દીધી હતી. ત્યારબાદ પ્રિન્સે આ કાર કોઈ જગ્યાએ ફેરવવા માટે નહીં પણ બારોબાર વેચી નાખી હતી. પ્રિન્સે તેના મિત્ર મારફતે ભાલકમાં રહેતા કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો અને ગીરવે આવેલી કાર સસ્તામાં છે, તેમ કહીને કારનો કારોબાર શરૂ કર્યો હતો .
ભાલકમાં 35 કારો વેચાઈ
પહેલા લાલચુ લોકો તેનામાં ફસાયા અને પછી પોતે અને તેમના સ્વજનોને કાર અપાવી દીધી હતી. 8થી 10 લાખની કાર દોઢ લાખમાં આપી અને પછી ભાલક ગામના કેટલાક લોકો અને તેમના સ્વજનોમાં ક્રાઈમ બ્રાન્ચના કહેવા મુજબ 35 કાર વેચાઈ ગઈ હતી. આ કારનો કારોબાર ચલાવવા માટે જેની પાસેથી પ્રિન્સ કાર લેતો હતો, તેને કાર વેચ્યા બાદ જે રકમ આવતી હતી, તે રકમ ભાડામાં ચૂકવી દેતો હતો. એટલે તેણે વધુ કાર કટિંગ કરવાનું શરૂ કર્યું અને આ બધું દોઢ વર્ષથી બરાબર ચાલતું હતું. પરંતુ વચ્ચે કાર આવી નહીં એટલે ઘણી જગ્યાએ ભાડું ચૂકવવામાં મોડું થયું અને મોટો હોબાળો શરૂ થયો હતો.
IGPના ખાસ માણસ ગણાતા વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિ
હવે આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, જેમાં એક IGPના ખાસ માણસ ગણાતા વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિ સામે આવી છે. હવે એને બોલાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી છે. બની શકે છે કે, આ સમગ્ર મામલામાં આ માણસની માટે ભલામણ આવે અને તે સરકી જાય તો નવાઈ નહીં. પરંતુ આ સમગ્ર કારની રિક્વરી ચાલી રહી હતી, તે સમયે તેણે મધ્યસ્થી કરવાનો ખૂબ મોટી ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોટાભાગે મારૂતી કંપનીની કારો જ ભાડે લઈ વેચી દેતો
પ્રિન્સ મિસ્ત્રીના 5 દિવસના રિમાન્ડ આપતી મેટ્રો કોર્ટ
અમદાવાદના શાહપુરમાં રહેતા 33 વર્ષીય પ્રિન્સ મિસ્ત્રી સામે ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે IPCની કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે 28 જુલાઈના રોજ અટકાયત કરી હતી. તેમજ ગઈકાલે 29મી જુલાઈએ તેને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના પોલીસ રિમાન્ડની માગ કરી હતી. જેની સામે કોર્ટે આરોપીના 5 દિવસના પોલીસ રીમાન્ડ આપ્યા હતા. પ્રિન્સ હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પાંચ દિવસના રિમાન્ડ પર છે, જેને કઈ રીતે ગોઠવણ કરી અને કઈ રીતે લોકોને શિકાર બનાવ્યા તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે તેણે પોતાના પરિવારથી પણ પીડિત થવાના કારણે તે ખોટા રસ્તે ગયો હોય તેવું કહી રહ્યો છે, પરંતુ આગળ પણ તે આવી સ્કીમો ચલાવી ચૂક્યો છે, એટલે તે પોલીસના શંકાના દાયરામાં છે.
કારમાલિકો પાસેથી 50 હજાર ડિપોઝિટ લઈ ગાડીઓ લીધી!
આરોપીએ પોતાને એક રાજકીય પાર્ટીની ઓફિસમાં ગાડી ભાડે મૂકવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું જણાવીને જુદાજુદા ગાડી માલિકો પાસેથી 50 હજાર ડિપોઝિટ લઈને ગાડીઓ લીધી હતી. ગાડી માલિકોને મહિને 33 હજાર રૂપિયા ભાડું મળશે તેમ જણાવ્યું હતું. જો કે, આરોપીને આવો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો નહોતો. તે આ ગાડીઓ મેળવીને તેને ગીરવે મૂકીને પૈસા લઈ લેતો હતો. શરૂઆતના ત્રણ મહિના તેને ગાડી માલિકોને ભાડું ચૂકવી આપ્યું હતું. પરંતુ ત્યારબાદ ભાડું ચૂકવવામાં ગાડી માલિકોને ફોન ઉપર બહાના બતાવતો હતો. ગાડી માલિકો તેના ઘરે જતાં આરોપીના પિતાએ કહ્યું હતું કે, તેમને દીકરા સાથે કોઈ સંબંધ નથી. દીકરાને કોઈ રાજકીય પાર્ટીની ઓફિસે ગાડી ભાડે મૂકવાનો કોન્ટ્રાક્ટ મળ્યો નથી. આરોપીએ ગાડીઓ ગીરવે મૂકીને પૈસા લઈને ફરાર થઈ ગયો છે.
પ્રિન્સ મિસ્ત્રી
75 જેટલી ગાડીઓ ગીરવે મૂકીને ઠગાઈ કરાઈ
પોલીસે આવા 33 ગાડી માલિકોના નિવેદન લીધા છે. 75 જેટલી ગાડીઓ ગીરવે મૂકીને ઠગાઈ કરવામાં આવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવ્યું છે. જે પૈકી 1.22 કરોડની કુલ કિંમતની 27 ગાડીઓ ગીરવે રાખનાર પાસેથી પરત મેળવવામાં આવી છે. જ્યારે 18 ગાડીઓ મૂળ ગાડી માલિકોએ બારોબાર પરત મેળવી લીધેલી છે. આ ગાડી માલિકો મોટાભાગે અસારવા વિસ્તારના છે. તે ગાડી માલિકોને ડીલ કરવા સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે બોલાવતો હતો. આરોપી ગાડી લેતા કોઈ લખાણ પણ કરતો નહીં. ગાડીઓમાં મોટાભાગે મારુતિ સ્વીફ્ટ અને ઇકો કાર છે.
આરોપી 15 દિવસથી ફોન બંધ કરીને ભાગી ગયો હતો
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 10 દિવસના રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, બીજી ગાડીઓની માહિતી મેળવવાની છે. આરોપીએ પૈસા ક્યાં વાપર્યા તે જાણવું જરૂરી છે. શું ખરેખરમાં આરોપીને કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો હતો કે કેમ? તે જાણવાનું છે. આ કેસમાં સહ-આરોપીઓ છે કે કેમ તે પણ જાણવાનું છે. ગીરવે મૂકાયેલા ગાડીઓ કોઈ ગુનામાં વપરાઇ છે કે કેમ તે જાણવાનું છે. આરોપી 15 દિવસથી ફોન બંધ કરીને ભાગી ગયો હતો, ત્યારે તે ક્યાં રહ્યો હતો કોને મળ્યો હતો તે પણ જાણવાનું છે.