અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી રબારી વસાહતોને વેચાણથી આપવામાં આવશે. વર્ષો પહેલા જંત્રી ભાવ અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે તે મુજબ વેચાણ
.
રબારી સમાજના લોકોમાં ભાજપ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો ઓઢવ વિસ્તારમાં રબારી સમાજના મકાનો તોડવાને લઈને રબારી સમાજના લોકોમાં ભાજપ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કોંગ્રેસ દ્વારા પણ ખૂબ મક્કમતાથી લડત ચલાવવામાં આવી હતી જેથી રબારી સમાજના મતો કોંગ્રેસ તરફ ન જાય અને આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં નુકસાન ન ભોગવવું પડે તેના માટે કરોડો રૂપિયાના પ્લોટ હવે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1960માં ઢોરોને બાંધવા માટે જે જગ્યા આપવામાં આવી હતી અને વર્ષોથી રબારી સમાજના લોકો ત્યાં વસવાટ કરે છે. જ્યાં મોટા પ્રમાણમાં બાંધકામ થઈ ગયું હતું. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ સુધી રજૂઆત કરવામાં આવી હતી. આજે સ્થાનિક આગેવાનો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે સ્થાનિક આગેવાનો સાથે ખુલ્લા મને ચર્ચા વિચારણા કરી છે. ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંત્રી ભાવે અથવા તો રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબ ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. ત્યાં રહેતા સ્થાનિક લોકોને પોતાનો માલિકી હક મળે અને શાંતિપૂર્વક રહી શકે તેના માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી આ અંગેનો સુખદ અંત આવશે.
વર્ષ 1960થી અમારા પરિવારો આ વિસ્તારમાં રહે છે પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઓઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી ત્યાર બાદ રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્ય તેમજ રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલને રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 1960થી અમારા પરિવારો આ વિસ્તારમાં રહે છે. વર્ષો પહેલાંની અમારી માંગણી હતી કે અમારા મકાનો અને પ્લોટને વેચાણ આપવામાં આવે. વર્ષ 2010માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેથી કોર્પોરેશન દ્વારા આ ઠરાવ ફરીથી કરવો પડે જેથી આજે સ્થાનિક આગેવાનો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગર જૂની અને નવી એમ ચાર રબારી વસાહતોને વેચાણે આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ ઠરાવ કરી અને મોકલી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. જેને લઇને અમે તેમનો આભાર માનીએ છીએ. રાહત ભાવે આપવા માટે અમે રજૂઆત કરી છે અને રાજ્ય સરકાર દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે. તમામ માંગણીઓને સહર્ષ સ્વીકારવાની અમને ખાત્રી આપવામાં આવતા આજે તેઓનો આભાર માનીએ છીએ.
સરકારી પ્લોટમાં દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં સરકારી પ્લોટમાં દબાણો થયા હતા જેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રબારી સમાજના સ્થાનિક આગેવાનો અને ભાજપના રબારી સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને સ્થાનિક ધારાસભ્યને મળીને રબારી વસાહતોને ફાળવવામાં આવેલા પ્લોટો જંત્રી ભાવે અથવા સરકાર નક્કી કરે તે મુજબના ભાવે વેચાણ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.
રબારી સમાજના આગેવાનોએ ચેરમેનનું મોં મીઠું કરાવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્લોટના માલિકી હક આપવા માટે ઠરાવ કરવો પડે જેને લઇને આજે શનિવારે પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ અને ઓઢવ રબારી વસાહતના સ્થાનિક આગેવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતા સાથે મુલાકાત કરી હતી. ચર્ચા વિચારણા કરીને ઠરાવ કરવા માટેની બાંહેધરી આપી હતી જેથી રબારી સમાજના આગેવાનો દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેન અને પ્લાનિંગ કમિટીના ચેરમેનને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.

રાહત દરે માલિકી હક આપવામાં આવે તેવી અમારી માંગણી ઓઢવ વિસ્તારમાં રહેતા અને સ્થાનિક આગેવાન કપિલ દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ઓઢવ સહિતની ચાર રબારી વસાહતોને જંત્રી ભાવે અથવા તો રાજ્ય સરકાર નક્કી કરે તેમ ભાવે વેચાણે આપવા અંગે ઠરાવ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા અમને રાહત દરે માલિકી હક આપવામાં આવે તેવી અમારી માંગણી છે. બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લોટમાં મકાનો તોડવામાં આવ્યા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગણી છે. જે રિઝર્વ પ્લોટ અથવા કોમન પ્લોટ છે તેમાં જે હેતુ માટે છે તે જ હેતુ રાખવામાં આવે હેતુફેર ન કરવામાં આવે. આ ઉપરાંત જ્યાં 40 ફૂટના રોડ રસ્તા છે ત્યાં 20 ફૂટના રોડ રસ્તા કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં જ રોડ ખોલવાની અમારી આ માંગ છે જે સરકાર દ્વારા પૂરી કરવામાં આવે.
અગાઉ ઠરાવમાં નેગેટિવ રિમાર્ક કરી સરકારને જાણ કરાઈ હતી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વર્ષ 2010માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લોટ આપવામાં આવ્યા છે તેને જંત્રી ભાવે અથવા રાજ્ય સરકારના નક્કી કરેલા ભાવ મુજબ આપવા માટેનો ઠરાવ કરી અને રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો હતો. જોકે જે તે સમયના કમિશનર દ્વારા આ ઠરાવમાં નેગેટિવ રિમાર્ક કરી અને સરકારને જાણ કરવામાં આવી હતી કે જો આ ભાવથી આપણે પ્લોટ વેચાણે આપી દેવામાં આવશે તો સરકારને ખૂબ મોટું નુકસાન જશે. જેથી જે તે સમયે મંજૂર થયેલો આ ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટો વેચાણે આપવા અંગે ઠરાવનું નિર્ણય કરાવ્યો છે, ત્યારે હવે કયા અને કેટલા ભાવે આ પ્લોટ કોર્પોરેશન આપશે અને કેટલું નુકસાન થશે કે કેમ તેને લઈને ચર્ચા જાગી છે.