દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતની બેઠકોના પરિણામોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે.
.
દ્વારકા નગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી છે. સાત વોર્ડની કુલ 28 બેઠક પર ભાજપના તમામ ઉમેદવારો વિજયી બન્યા છે. ચૂંટણી પહેલાં જ 8 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના કબજામાં રહેલી દ્વારકા નગરપાલિકામાં પાર્ટીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
આ વિજય બદલ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી છે. સ્થાનિક લોકોએ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોને સમર્થન આપ્યું છે. બીજી તરફ, સલાયા વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર ઘટ્યો હોવાનું સ્પષ્ટ થયું છે.

સલાયામાં કોંગ્રેસનું શાસન બરકરાર, પણ સીટો ઘટી વર્ષોથી કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકામાં આ વખતે પણ કોંગ્રેસે બહુમતી મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાનું રાજકારણ સમગ્ર રાજ્યમાં ઉત્તેજનાસભર બની ગયું હતું. કારણ કે અહીં ચૂંટણી લડવા માટે ભાજપને પૂરતા ઉમેદવારો પણ મળ્યા ન હતા. !! આટલું જ નહીં, ઓવૈસીની પાર્ટી એ.આઈ.એમ.એ.આઈ.ના ઉમેદવારો સાથે અહીં ચોપાંખિયો જંગ ખેલાયો હતો.

સલાયા પાલિકામાં ભાજપને એક પણ બેઠક મળી નથી. અગાઉ અહીં ભાજપના ચાર સભ્યો હતા. સલાયા પાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં રહેતા હિન્દુ પરિવારના મતો ભાજપના પરંપરાગત મનાય છે, પરંતુ આ વખતે અહીં પણ તમામ ચાર ઉમેદવારો આમ આદમી પાર્ટીના જ વિજેતા બન્યા છે. મત ગણતરીના પ્રારંભે આમ આદમી પાર્ટી તરફથી જોક જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા તમામ ત્રણ વોર્ડ પેનલ ટુ પેનલ કોંગ્રેસના ઉમેદવારો જીતતા આખરે 15 સીટ સાથે અહીં કોંગ્રેસનું પુનઃસ્થાપન થયું છે.

આમ આદમી પાર્ટીના મજબૂત મનાતા ઉમેદવાર સાલેમામદ કરીમ ભગાડને મતદાન પૂર્વે જેલની સજા થઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે “આપ” પણ અહીં મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને 13 સભ્યો “આપ”ના ચૂંટાયા છે. અને અહીં નવો રેકોર્ડ સર્જાયો છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં સલાયા સિવાય “આપ”ના એક પણ ઉમેદવાર ચૂંટાયા નથી.
90 ટકા મુસ્લિમ વસ્તીવાળા સલાયામાં ઓવૈસી પાર્ટી ચૂંટણી સમયે જ મેદાનમાં આવી હતી. જોકે તેને એક પણ સીટ મળી નથી. અહીં કોંગ્રેસે જીતનું જશ્ન મનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયામાં પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન વધુ રહ્યું હતું.

ભાણવડમાં પૂર્વ પ્રમુખ-શહેર પ્રમુખને ભાજપમાં લેવાનો પ્રયોગ સફળ ભાણવડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે કુલ 24 પૈકી નોંધપાત્ર 21 બેઠકો મેળવીને અહીં પણ રેકોર્ડ સર્જ્યો છે. જેમાં ભાજપના એકાદ-બે પ્રયોગ દ્વારા આ સફળતા મળી હોવાનું કહેવાય છે.
ભાણવડ નગરપાલિકાની વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ જ બહુમતી સભ્યોથી વિજેતા બન્યો હતો. પરંતુ આંતરિક વિખવાદ સર્જાતા ચોક્કસ કારણો વચ્ચે કોંગ્રેસે તડજોડમાં સફળ થઈ અને સત્તા પર કબજો મેળવ્યો હતો. ત્યાર પછી સુપરસિડ થયેલી ભાણવડ નગરપાલિકાની યોજાઈ ગયેલી પેટા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કોંગ્રેસના 16 અને ભાજપના 8 સભ્યો જીત્યા હતા. આ પછી જિજ્ઞાબેન જોષી પાલિકાના પ્રમુખ બન્યા હતા.

આ સમયે ભાજપે સોગઠા ગોઠવી અને જીજ્ઞાબેન જોશીને તેમજ તેમના પતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ જોશીને ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ભેળવી લેતા આ વખતે ભાજપને રેકોર્ડરૂપ જીત મેળવવામાં સફળતા મળી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ઉમેદવારની પસંદગી પણ જો સંપૂર્ણપણે દાવપેચપૂર્વક કરવામાં આવી હોત તો આ વખતે 21 ના બદલે તમામ 24 બેઠક ભાજપને મળે તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પૂર્વે જ ભાજપને 8 બિનહરીફ સીટો મળી હતી.

ભાણવડ નગરપાલિકામાં આગામી પ્રમુખ માટે સામાન્ય બિન અનામત છે. ત્યારે ભાજપ કોને પ્રમુખ તરીકે બેસાડશે તે અંગેની ચર્ચાઓ પણ તેજ બની છે. નગરપાલિકામાં સાત સદસ્યો સતવારા જ્ઞાતિના ચૂંટાયા છે. તેમાંથી છ ભાજપના છે. સાથે ત્રણ લોહાણા, ત્રણ હરિજન, ત્રણ મુસ્લિમ, બે રાજપુત, બે આહીર, એક પ્રજાપતિ, એક બ્રાહ્મણ, એક સગર અને એક પટેલ ઉમેદવાર વિજેતા થયા છે.

કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી ગુજરાત રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે. મંગળવારે યોજાયેલી મતગણતરીમાં સમગ્ર રાજ્યમાં કેસરિયો લહેરાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, ભાણવડ અને જુવાનપુર તાલુકા પંચાયતમાં ભાજપને નોંધપાત્ર બેઠકો મળી છે. આ વિજયની ઉજવણી માટે ખંભાળિયા શહેર ભાજપે નગર ગેઈટ પાસે કાનજી ચતુ ધર્મશાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

કાર્યક્રમમાં શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પિયુષભાઇ કણજારિયા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર સહિત નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી અને જગુભાઈ રાયચુરા પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, ભરતભાઈ મોટાણી અને અન્ય આગેવાનોએ ઉજવણીમાં ભાગ લીધો હતો.

કાર્યકરોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી અને મીઠાઈ વહેંચીને વિજયની ઉજવણી કરી હતી. આ પ્રસંગે માનભા જાડેજા, હસુભાઈ ધોળકીયા, કે.ડી જોડ, રાજીવભાઈ ભુંડીયા, ભાવેશભાઈ મોટાણી, નીતિનભાઈ પીઠિયા અને નીરવભાઈ ખેતિયા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
