ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક સત્ર પૂર્વે પાટણ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તક વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાની કુલ 207 શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવશે.
.
પાટણ જિલ્લામાં 5 મુખ્ય કેન્દ્રો પર પુસ્તકોનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. પાટણ અને સરસ્વતી તાલુકા માટે કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ, રાધનપુર અને સાંતલપુર માટે મોડલ સ્કૂલ રાધનપુર, સમી અને શંખેશ્વર માટે સમી મોડલ સ્કૂલ તેમજ સિદ્ધપુર અને ચાણસ્મા માટે અલગ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. દિનેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, પાટણ અને સરસ્વતી તાલુકાની 64 શાળાઓમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની આ પહેલથી નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપલબ્ધ થશે.
શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ દરેક વિષયના પુસ્તકોનો સેટ શાળાઓને ફાળવવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સરકાર અને પાઠ્યપુસ્તક મંડળના સહયોગથી સમયસર પુસ્તક વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.