ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના સવાઈનગરમાં જમીન વિવાદે ભાઈ-ભાઈ વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમી છે. મોટાભાઈએ નાનાભાઈ પર ધારિયા વડે હુમલો કરતાં નાનાભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
.
સવાઈનગરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર (ઉંમર 34) અને તેમના મોટાભાઈ મુકાભાઈ ચંદુભાઈ પરમાર (ઉંમર 40) વચ્ચે જમીન વહેંચણીને લઈને વિવાદ ચાલતો હતો. સાંજે 8 વાગ્યે ઘરે મોટાભાઈએ જમીન વેચવાની બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા મોટાભાઈએ નાનાભાઈના માથા અને શરીર પર ધારિયાના ઘા ઝીંક્યા હતા.
ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં ચંદુભાઈને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વેળાવદર ભાલ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો.

ભાવનગરના ડીવાયએસપી આર.આર.સિંધાલના જણાવ્યા મુજબ, મોટોભાઈ ખેતીની જમીન વહેંચવા માંગતો હતો, જ્યારે નાનોભાઈ જમીન વેચવા માંગતો ન હતો. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.