.
ઝાલોદ તાલુકામાં ઉતરાયણના દિવસે અકસ્માતની બે ઘટનામાં 6ના મોત નિપજ્યા હતા. જ્યારે 1 ઘાયલ થયા હતા. જેમાં જુના આરટીઓ ચેકપોસ્ટ પાસે ઇક્કોની ટક્કરમાં બાઇક સવાર સગા સાળા બનેવીનું મોત થયું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં કલજીની સરવાણી ગામે બે બાઇક વચ્ચેના અકસ્માતમાં 4 યુવકોના મોત નિપજ્યા હતા. બન્ને અકસ્માત સંદર્ભે ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દાહોદના ગોદીરોડ ઉપર આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા કેતનભાઇ જેસીંગબાઇ બારીયા તેની જીજે-20- બીજે-9681 નંબરની બાઇક ઉપર તેના કાકા સસરા અતુલભાઇ દિલીપભાઇ ગરાસિયા તથા તેમના છોકરા સતિષભાઇ અતુલભાઇ ગરાસિયા સાથે જતા હતા. ઝાલોદ જુના આરટીઓ પાસે હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન ધાવડીયા બાજુથી આવતી જીજે-20- એક્યુ- 7155 નંબરની ઇક્કોના ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇક સવાર ત્રણેને ગંભીર ઇજાઓ થઇ હતી. સર્જાયેલાં ગંભીર અકસ્માતમાં કેતનકુમાર બારિયા અને સતિષભાઇ ગરાસિયા બન્ને સગા સાળા બનેવીનું મોત નિપજ્યું હતું. હાર્દિકભાઇ જેસીંગભાઇ બારીયાએ ઇકો ચાલક સામે ઝાલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અકસ્માતનો બીજો બનાવ કલજીની સરવાણી ગામે રાતીવાવની મંદિર પાસે બન્યો હતો. જેમાં જીજે-20-એઇ-5296 નંબરની તથા જીજે-20- એએલ-3956 નંબરની મોટર સાયકલના ચાલકોએ ગફલતભરી રીતે અને પુરઝડપે હંકારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક બાઇક ઉપર સવાર વેલપુર ગામના 22 વર્ષિય તુષારભાઇ દીલીપભાઇ ડામોર, તથા 20 વર્ષિય ગુલાબભાઇ બાબુભાઇ બામણીયા જ્યારે બીજી બાઇક ઉપર સવાર બાજરવાજાના 24 વર્ષિય જીજ્ઞેશભાઇ દલસીંગભાઇ બારીયા તથા ઝાલોદની ઠક્કર બાપા સોસાયટીમાં રહેતા 23 વર્ષિય કલ્પેશભાઇ પારૂભાઇ મહિડાને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં ચારેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માત સંદર્ભે એએસઆઇ વિષ્ણુભાઇ ગોરજીભાઇએ બન્ને બાઇકના મૃતક ચાલકો સામે ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઝાલોદ પોલીસે બન્ને અકસ્માત મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સંખ્યાબંધ પરિવારમાં ગમગીની છવાઇ ઝાલોદ તાલુકામાં ઉત્તરાયણના દિવસે અકસ્માતની બે ગમખ્વાર ઘટના સર્જાતાં તેમાં 6 યુવકોના અકાળે મોત થયા હતા. ત્યારે તેમાં એક જ પરિવારના લોકોનો પણ સમાવેશ થતો હતો. તમામ મૃતકોના પરિવાર સાથે ગામમાં તો શોકની લાગણી ફેલાઇ હતી, સાથે સાથે તેમના પરિચિત લોકોમા પણ શોક ફેલાયો હતો. તહેવારના દિવસે બનેલી અ ઘટનાથી ભારે ગમગીનીનો માહોલ છવાયો હતો.