અમદાવાદ,શનિવાર
બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના રૂપિયા છ હજાર કરોડ રૂપિયાના કૌભાંડના માસ્ટર
માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા માટે પોલીસે લુક આઉટ નોટિસ જાહેર કરવાથી
લઇને ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ આ દરમિયાન પોલીસને માહિતી
મળી છે કે ભુપેન્દ્રસિંહ નેપાળ થઇને દુબઇ પહોંચ્યા બાદ કેરેબિયન દેશમાં પહોંચ્યો
હોવાની શક્યતા છે. જેના કારણે પોલીસ માટે હવે તેની કડી મેળવવી ખુબ મુશ્કેલ બની શકે
તેમ છે. ત્યારે બીજી તરફ તપાસમાં વિગતો બહાર આવી છે કે ભુપેન્દ્રસિંહે નાણાંની
હેરફેર કરવા માટે ૧૧ જેટલી કંપનીઓ બનાવી હતી. જેના કુલ ૨૭ જેટલા એકાઉન્ટમાં રહેલી
સવા કરોડની રોકડ ફ્રીઝ કરવામાં આવી છે. બીજી તરફ તપાલ માટે પોલીસની સાતથી વધુ
અઘિકારીઓની અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે.
બી ઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ત્રણ વર્ષમાં નાણાં બમણા
અને બાકીના રોકાણ સામે ઉંચા વ્યાજની લાલચ આપીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં
હજારો લોકો પાસેથી છ હજાર કરોડ જેટલી માતબર રકમની ઉચાપત કરવાના કરવાના કેસના મુખ્ય
આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા આકાશ પાતાળ એક
કરવામાં આવ્યા હતા. જેમાં દેશના તમામ રાજ્યોની પોલીસને માહિતી મોકલવાની સાથે
સેન્ટ્લ એજન્સીઓની મદદ લીધી હતી. આ ઉપરાંત, લુક આઉટ નોટિસ પણ
ઇસ્યુ કરવામાં આવી હતી. જો કે પોલીસને હજુ સુધી કોઇ કડી મળી શકી નથી.
ભુપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હતું. જો કે ત્યારબાદ તે નેપાળ
પહોંચીને ત્યાંથી દુબઇ થઇને કેરેબિયન દેશમાં નાસી ગયાની શક્યતા સુત્રો ્દ્વારા
વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે કેટલાંક શંકાસ્પદ લોકોની પુછપરછ કરતા
જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ છેલ્લાં ઘણા સમયથી કેટલાંક વિઝા એક્સપર્ટના
સંપર્કમાં હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને વધુ એક ચોંકાવનારી વિગતો મળી
છે કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયાની હેરફેર કરવા માટે ૧૧ જેટલી બોગસ કંપની
ખોલી હતી. જેની સાથે સંકળાયેલા ૨૭ જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. જેમાં રહેલી
સવા કરોડ રૂપિયાની રકમને પોલીસે ફ્રીઝ કરી છે. સાથેસાથે તમામ બેંક એકાઉન્ટમાંથી
થયેલા આર્થિક વ્યવહાર તપાસવા માટે નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત, ભુપેન્દ્રસિંહના સીએની
પુછપરછ કરાશે.
મયુર દરજીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલાયો
બી ઝેડ કૌભાંડના માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાના રાઇટ
હેન્ડ ગણાતો મયુર દરજી સમગ્ર કૌભાંડથી વાકેફ હતો અને તે શરૂઆતથી ઝાલા સાથે
સંકળાયેલો હતો. સીઆઇડી ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવાયા
હતા. જે પૂર્ણ થતા તેને શનિવારે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. જો કે તેની
પુછપરછમાં સીઆઇડી ક્રાઇમ ફળક્ષશ્રુતી મળી શકે તેવી વિગતો મેળવી શકી નથી.