ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ગુજરાત સરકારે કરેલા કેસર કેરીના પાકના ખોટા સર્વે મામલે કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ નિર્ણય તાલાલા પંથકના આગેવાનોએ દિલ્હી સુધી કરેલી રજૂઆત બાદ લેવામાં આવ્યો છે.
.
બાગાયત વિભાગે ખોટો અહેવાલ રજૂ કર્યો, ખેડૂતોને દોષી ઠેરવ્યાં તાલાલા પંથકમાં 15 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં કેસર કેરીના બગીચા આવેલા છે. આ વિસ્તારમાં 17 લાખ જેટલા આંબાના વૃક્ષોનું વાવેતર છે. છેલ્લા બે વર્ષથી ગ્લોબલ વોર્મિંગની માઠી અસરને કારણે મોટાભાગનો કેરીનો પાક નાશ પામ્યો છે. ખેડૂતોએ વળતરની માંગણી સાથે સર્વેની માંગ કરી હતી. બાગાયત વિભાગે કરેલા સર્વેમાં ગોળગોળ અને ખોટો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં તાલાલા પંથકમાં ખેડૂતોને ખેતી કરતા જ નથી આવડતું માટે કેસર કેરીનો પાક નિષ્ફળ જાય છે એવું દર્શાવીને ખેડૂતોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આનાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.
કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના બાગાયત નિયામકને તપાસના આદેશ આપ્યાં તાલાલા પંથકના અગ્રણી ધવલભાઈ કોટડીયા અને જાવંત્રી ગીરના યુવા સરપંચ અલ્તાફભાઈ બ્લોચે નવી દિલ્હી ખાતે કૃષિ ભવનમાં જઈને નાશ પામેલા કેરીના પાકની વિસ્તૃત વિગતો સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ રજૂઆતને ધ્યાનમાં લઈને ભારત સરકારના ખેડૂત અને કૃષિ કલ્યાણ વિભાગે ગુજરાત સરકારના બાગાયત નિયામક-ગાંધીનગરને તપાસનો આદેશ આપ્યો છે.

ગ્લોબલ વોર્મિંગે કેસર કેરીના પાકને ભરડો લીધો તાલાલા પંથકમાં કેસર કેરીના પાકમાં અવિરત ઘટાડો થતો જાય છે. છેલ્લા બે વર્ષથી ગ્લોબલ વોર્મિંગે કેસર કેરીના પાકને ભરડો લીધો હોય મોટાભાગનો કેરીનો પાક નાશ પામ્યો છે.તાલાલા પંથકના નાશ પામેલ પાકનો સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને યોગ્ય વળતર આપવા સર્વપક્ષીય તથા કિસાન સંગઠનો દ્વારા પણ આવેદનપત્રો દ્વારા માંગણીઓ કરવામાં આવી છે. આવેદનપત્રોમાં બાગાયત વિભાગે કેરીના પાકનો સરકારને મોકલેલ અહેવાલને ખોટો ગણાવી નાટક સમાન કરેલ સર્વેની તપાસ કરવા પણ માંગણીઓ થઈ છે.


