.
નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાનાં ડોલવણ ગામમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-2003( COTPA-2003 ) અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી, ડોલવણ દ્વારા ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી આવી હતી. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપીનાં કર્મચારી ભરતકુમાર ગામીત અને જિજ્ઞાસા ચૌધરી અને તાલુકા આરોગ્ય કચેરી-ડોલવણના સ્ટાફ જોડાયા હતા.
ટાસ્કફોર્સની કામગીરી દરમિયાન ટીમ દ્વારા ડોલવણ ખાતે તમાકુની બનાવટો વેચતા 34 જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કલમ-5 નો ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતનાં બોર્ડ ઉતારાવવામાં આવ્યા હતા અને ફ્ક્ત 4 જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમ 6-અ ના ભંગ બદલ કુલ રૂ. 650 નો દંડ સ્થળ પર કરવામાં આવ્યો હતો. બાકીના 30 જેટલા દુકાનદારો તમાકુ નિયંત્રણ ધારા-2003નું પાલન કરતા જોવા મળ્યા હતા. ટાસ્કફોર્સ ટીમ દ્વારા જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધની કલમ 4 અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય–કલમ-5, કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ 6-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના 100 વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ 85% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધની કલમ-7 વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી.તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તમાકુ નિયંત્રણ ધારા બાબતે ડોલવણ ચાર રસ્તા પર કડક સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-2003ની કામગીરી ખુબ સારી રીતે કરવામાં આવી રહી છે.