સુરેન્દ્રનગર જિલ્લામાં “બાળલગ્ન મુક્ત ભારત” અભિયાન અન્વયે મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ કોઠારીયા પ્રાથમિક શાળા ખાતે “બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006” અન્વયે જાગૃતિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
.
આ તકે ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારી વી.એસ.શાહ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. સમાજ સુરક્ષા અધિકારી સહ બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી એ.કે ભટ્ટ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ-2006ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ સમજાવવામાં આવ્યો હતો. DHEW ટીમ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના વગેરે મહિલાલક્ષી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી.
તદુપરાંત, શાળાના આચાર્ય રાજેશ પટેલ દ્વારા પ્રસંગ અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર જોલીબેન દ્વારા બાળ લગ્ન મુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવુ, શિક્ષણ સ્તરમાં સુધારો અને મહિલા સશક્તિકરણના ઉદેશ્ય સાથે તા.27/11/2024ના રોજ ભારત સરકાર દ્વારા સંપૂર્ણ ભારતને બાળલગ્ન મુક્ત કરવા રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
હાલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા તા.25 નવેમ્બર એટલે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસથી તા.10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ સુધી એમ 16 દિવસના સમયગાળા દરમિયાન લિંગ આધારિત મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જુદાજુદા સ્થળોએ જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતતા લાવવાનાં સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.