સિધ્ધપુરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના પગલે પોલીસ તપાસ દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે. પાલનપુર હાઈવે પર આવેલા એફ.જે કોમ્પલેક્ષમાં અકરમ માણસીયાની ત્રણ દુકાનોની પાર્કિંગની જગ્યા પર થયેલા દબાણ અંગે તપાસ ચાલી રહી હતી.
.
નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાની ટીમે સર્વિસ રોડ પર વાહનોની અવરજવર નિયંત્રિત કરવા પોલીસ જીપ મૂકી હતી. આ દરમિયાન ક્રેટા ગાડીમાં આવેલા શખસે પોલીસ સાથે ગેરવર્તન કરી ગાડી પાલનપુર તરફ ભગાવી મૂકી હતી.
પોલીસે ગાડીના નંબરના આધારે તાવડીયા ગામે તપાસ કરતા આરોપી અંકિતકુમાર ચંપકલાલ રાવળ અને પ્રિન્સ કનુભાઈ રાવળે પોલીસ કર્મચારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. તેમણે પોલીસ કર્મચારીનો કોલર પકડી ઝપાઝપી કરી હતી.
પોલીસે વધારાનો કાફલો બોલાવી આર્મી જવાન અંકિત રાવળની ધરપકડ કરી છે. જ્યારે પ્રિન્સ રાવળ ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.