આમાગી પાંચ દિવસ ઠંડી ભુક્કા બોલાવશે
.
રાજ્યમાં હજુ આગામી 5 દિવસ ઠંડી ભુક્કા બોલાવશે. અંબાલાલ પટેલે આગામી 48 કલાક કોલ્ડવેવ સાથે કાતિલ ઠંડીની આગાહી કરી છે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે.
ટપોરીની જેમ ફાંકા ફોજદારી કરવાની જરૂર નથીઃ ઈટાલિયા
કચ્છમાંથી પકડાયેલી નકલી ED ટીમના મુખ્ય આરોપી અબ્દુલસતારને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીનો નેતા ગણાવતાં ઈટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ટપોરીની જેમ ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી. હિંમત હોય તો સામે આવીને આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પોલીસની ઝાટકણી કાઢી
દાહોદના નકલી NA કૌભાંડમાં કુત્બુદ્દીન રાવતને માસ્ટર માઈન્ડ ગણાવી ઠેરઠેર તેની શોકોઝ નોટિસ લગાવવામાં આવતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી. કોર્ટે કુત્બુદ્દીન રાવતની ધરપકડ પર સ્ટે આપ્યો છે. સાથે જ દેશમાં આવી તપાસમાં સહયોગ કરવા કહ્યું.
BZ કૌભાંડમાં 307 કરોડના આર્થિક વ્યવહાર મળ્યાં
BZ પોન્ઝી સ્કીમ મુદ્દે ચાલી રહેલી તપાસમાં મોટો ખુલાસો થયો. આ કૌભાંડમાં 307 કરોડનાં આર્થિક વ્યવહાર મળ્યાં છે. માહિતી મુજબ ભૂપેન્દ્રસિંહે 4 વર્ષમાં જ 35 કરોડની મિલકત ખરીદી હતી. રોકાણકારો પાસેથી કૌભાંડી ભૂપેન્દ્રએ 150 કરોડ રૂપિયા મેળવ્યાં હતા.
ટ્રકની ટક્કરે આધેડનું કમકમાટી ભર્યું મોત
વડોદરાના પાદરામાં ટ્રક ચાલકે 50 વર્ષના આઘેડને ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. મૃતક પર ટ્રકના આગળના ટાયર ફરી વળતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બાદ આરોપી ટ્રક ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે.
દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ
ભરૂચની સુકૃતિ દાંતની હોસ્પિટલમાં દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત થયું. મૃતકના પરિવારે ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો.
કડીઃ 9000 દારૂની બોટલો સાથે 9 લોકોની ધરપકડ
કડીની એક GIDCમાં ગાંધીનગર રેન્જ આઈ.જી ની ટીમે રેડ કરી 9000 દારૂની બોટલો સાથે 9 લોકોને ઝડપી પાડ્યાં છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 39 લાખ 72 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.