Jamnagar News : રાજ્યમાં અસામાજિક તત્ત્વોના ત્રાસ વધી રહ્યો છે, ત્યારે જામનગરના રણજીતનગર વિસ્તારમાં ફૂટવેરની દુકાન ચલાવતા શખ્સે હોળીની રાત્રે પુષ્પા સ્ટાઈલમાં સ્કૂટર સહિતના વાહનોમાં તોડફોડ કરીને હંગામો મચાવ્યો હતો. તેવામાં વાહનોમાં તોડફોડ મામલે સમજાવા ગયેલા લોકો સાથે પણ શખ્સે ઝપાઝપી કરીને ગાળો ભાંડી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશને શખ્સ વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી.
વાહનોમાં તોડફોડ કરીને હંગામો મચાવ્યો
જામનગરના રણજીતનગર વિસ્તારમાં ફૂટવેરની દુકાન ચલાવતા જયદીપ અરવિંદભાઈ સોલંકી નામના શખ્સે જાહેરમાં ભારે હંગામો મચાવ્યો હતો. હોળીની રાત્રે જયદીપે તેની દુકાન પાસે પાર્ક કરેલાં સ્કૂટરમાં તોડફોડ કરી હતી. આ સાથે નજીકમાં થઈ રહેલા હોળીના કાર્યક્રમમાં વીડિયો શૂટિંગ માટે આવેલા વ્યક્તિનું વાહન પણ જયદીપે તોડી નાખ્યું હતું. આ મામલે સ્કૂટરના માલિક દાનિશ ચૌહાણ સહિતના લોકો સમજાવા જતાં જયદીપે ઝપાઝપી કરી અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને હંગામા મચાવી દીધો હતો.
આ પણ વાંચો: હિંમતનગરમાં રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધને કારની ટક્કર, ઘટનાસ્થળે મોત
સમગ્ર ઘટનાને લઈને લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ત્યારબાદ જયદીપ લોકોના ટોળાની વચ્ચે પોતાનો શર્ટ કાઢીને પુષ્પા સ્ટાઇલમાં હંગામો મચાવી દીધો હતો. ઘટનાને લઈને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી.