લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઝંઝાવતી પ્રચાર શરુ કર્યો છે. ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો જીતવા બંન્ને પક્ષોએ કમર કસી છે. પાટીદાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલને કોંગ્રેસમાં રાજકીય પ્રોત્સાહન મળી રહ્યું છે જેના કારણ તેની ટોચના સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરાયો છે. હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસે હેલિકોપ્ટર ફાળવ્યુ છે.
રાહુલ ગાંધી , પ્રિયંકા ગાંધી સહિતના ટોચના સ્ટાર પ્રચારકોમાં હવે ગુજરાતમાંથી હાર્દિક પટેલનો સમાવેશ કરાયો છે. અલ્પેશ ઠાકોરની કોંગ્રેસમાં બાદબાકી થઇ જતા યુવા મતદારોને આકર્ષિત કરવા કોંગ્રેસે હાર્દિક પટેલને ચૂંટણી પ્રચારના મેદાને ઉતાર્યો છે. હાર્દિક પટેલ માત્ર સાત દિવસમાં જ પચાસથી વધુ જનસભાને સંબોધિત કરશે.
હાર્દિક માત્ર ગુજરાત જ નહીં, પણ રાજસ્થાન , મધ્યપ્રદેશમાં ય કોંગ્રેસ દ્વારા આયોજીત ચૂંટણી જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છેકે, જીજ્ઞોશ મેવાણી હાલમાં ઉત્તર પ્રદેશમાં કનૈયાકુમારના પ્રચારમાં છે.અલ્પેશ ઠાકોર હવે કોંગ્રેસમાંથી નથી. આમ, હાર્દિક પટેલ માટે રાજકીય માર્ગ મોકળો બન્યો છે.