BJP Letter Controversy Rajkot : રાજકોટ જિલ્લાના ભાજપના મહામંત્રીના નામનો લેટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વાઈરલ થયેલાં લેટરમાં ભાજપના મહામંત્રીના રવિ માકડિયાએ નગર પાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ હતી. જ્યારે સોશિલ મીડિયામાં લેટર કરનારા લોકોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ હતી અને માનસિક ટોર્ચર કર્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર ઘટના મામલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈએ કોઈપણ વ્યક્તિને હેરાન-પરેશાન ન કરાયા હોવાનું જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ભાજપના મહામંત્રી પર ગંભીર આક્ષેપ કરતો લેટર વાઈરલ
રાજકોટમાં થોડા દિવસ પહેલા જિલ્લાના ભાજપના મહામંત્રી રવિ માકડીયાના નામના લેટર વાઈરલ થયો હતો. જેમાં મહામંત્રી વિરૂદ્ધમાં ગંભીર આક્ષેપ કરાયાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ મામલે પોલીસમાં અરજી નોંધતા પોલીસે ભાજપના જ આગેવાનોની પૂછપરછ હાથ ધરી હતી. જેને લઈને ઉપલેટા પોલીસ તપાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે, સમગ્ર ઘટનાને લઈને ઉપલેટાના અશોક લાડાણી નામના વ્યક્તિ સહિત લેટરને સોશિયલ મીડિયામાં વાઈરલ કરનારા લોકોને પોલીસે ઉઠાંતરી કરી હતી અને પોલીસ દ્વારા તેમને ગોંધી રાખીને માનસિક ટોર્ચર કરાયાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
‘પોલીસે માનસિક ટોર્ચર કર્યા, મને ખુબ દબાણ કર્યુ’
સમગ્ર મામલે ઉપલેટાના ભાજપના આગેવાન અશોક લાડાણીએ જણાવ્યું હતું કે, ‘મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને મને માનસિક ટોર્ચર કર્યો. મને ખુબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટના કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરવામાં આવ્યો. આ મામલે પીઆઈ સાહેબે અમને તપાસ પૂર્ણ કરીશું તેવું આશ્વાસન આપ્યું હતું. આ બાબતે રાજ વાઢેર, કરસનભાઈ ધ્રાંગુ, લકીરાજ સહિતના બધાના નિવેદન લીધા હતા. જો કે, ઘટનાને સાત દિવસથી વધુ થયુ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.’
આ પણ વાંચો: ગુજરાતના વધુ એક શહેરમાં 450 સરકારી કર્મચારીને ફટકારાયો દંડ, કુલ 5000 વાહન ચાલકો દંડાયા
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયાં બાદ એટલે કે લગભગ 22 ફેબ્રુઆરી, 2025ના આ લેટર વાઈરલ થયો હતો. વાઈરલ થયેલાં લેટરમાં રવિ માકડિયાએ નગર પાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ પછી ઉપલેટાના અશોક લાડાણીએ તેમના ભાજપના ગ્રુપમાં લેટર મોકલ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં અરજી નોંધાઈ હતી અને પોલીસે વાઈરલ લેટર મામલે કેટલાક ભાજપના આગેવાનોને નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. જેમાં પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCCTV પણ સામે આવ્યા છે.