અમદાવાદ,બુધવાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંંચે કાર્તિક પટેલ સાથે જોડાયેલા તેમજ ખ્યાતિ હોસ્પિટલ સહિતના બેંંક એકાઉન્ટની તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે કાર્તિક પટેલ વિદેશમાં હતો તે દરમિયાન તેણે તેના કોઇ મળતિયાની મદદ લઇને કુલ ૧૬ કરોડ રૂપિયાની લોનની ચુકવણી કરી હતી. જેમાં કાર્તિક પટેલની પર્સનલ અને ખ્યાતિ રીયાલીટીના નામે લેવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. બીજી તરફ પોલીસે સીએની મદદથી ખ્યાતિ હોસ્પિટલના છેલ્લાં ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટની ચકાસણી શરૂ કરવામાં આવી છેે. ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાંચને અનેક વિગતો મળી રહી છે. જે અનુસંધાનમાં કેસમાં નવા વળાંક પણ આવી રહ્યા છે. ક્રાઇમબ્રાંચે જપ્ત કરેલી ફાઇલ અને કાર્તિક પટેલના તેમજ ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત, અન્ય બેંક એકાઉન્ટની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગુનો નોંધાયા બાદ વિદેશમાં નાસતા ફરતા કાર્તિક પટેલે પરત આવતા પહેલા કુલ ૧૬ કરોડની લોનની ચુકવણી કરી હતી. જેમાં ૭.૩૩ કરોડની પર્સનલ લોન અને ૯.૭૦ કરોડની કિંમતની ખ્યાતિ રીયાલીટીની લોનનો સમાવેશ થાય છે. આ લોન કાર્તિક પટેલ વતી કોણે ચુકતે કરી છે? તે દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલ અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ખ્યાતિ હોસ્પિટલ તેમજ કાર્તિક પટેલ સાથે જોડાયેલી વિવિધ કંપનીઓના છેલ્લાં ત્રણ વર્ષના ઓડિટ રિપોર્ટની તપાસ કાર્તિક પટેલના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને પોલીસ તપાસ માટે ખાસ નિમણૂંક કરવામાં સીએ દ્વારા કરવામાં આવી રહી છે.
બીજી તરફ પોલીસે તપાસેલા તમામ રિપોર્ટ અને બેંકના દસ્તાવેજોમાં પણ વિગતો મળી છે કે તમામ વ્યવહારો કાર્તિક પટેલની સહીથી થયા છે. આમ, સમગ્ર કાંડમાં તેની સંડોવણીના મજબુત પુરાવા પોલીસને મળ્યા છે.