સુરતમાં કથિત RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો ખોટી અરજીઓ કરી બિલ્ડરો અને લોકો પાસેથી તોડ કરતા હોવાની સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ થોડા દિવસ પહેલા કલેકટરની સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી. આ મામલાની ગંભીરતાને લઈ સુરત પોલીસે કાર્યવાહી શરૂ કરી એક બાદ
.
સુરત પોલીસે 51 દિવસમાં 103 કથિત એક્ટિવિસ્ટો સામે 75 ગુના નોંધ્યા સુરત શહેરમાં 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલા એક વિશેષ ઓપરેશન હેઠળ RTIના દુરુપયોગથી ખંડણી ઉઘરાવનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. 51 દિવસમાં અત્યાર સુધીમાં 75 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને કુલ 103 જેટલા કથિત RTI એક્ટિવિસ્ટ સામે ફરિયાદો દાખલ કરવામાં આવી છે. તેમાંથી 56 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ સમગ્ર ઓપરેશનની અંદર ખાસ કરીને પાંચ RTI એક્ટિવિસ્ટ એવા છે, જે માથાભારે છબી ધરાવે છે. તેમની વિરૂદ્ધ ચારથી વધુ ફરિયાદ દાખલ છે
સુરત પોલીસે જે કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે ગુના નોંધ્યા છે તેમાં પાંચ મુખ્ય આરોપીઓ એવા છે કે જેઓની સામે એક કરતા વધુ ગુનાઓ નોંધાયા છે. ત્યારે એક બાદ એક આ પાંચેય ગુનેગારોની ક્રાઈમ કુંડળી પર નજર કરીએ.
મુસ્તાક બેગ
મુસ્તાક બેગ જેના વિરુદ્ધ લાલગેટ, મહીધરપુરા અને અઠવા પોલીસે કુલ ચાર ફરિયાદો નોંધાવી છે. મુસ્તાકે વિવિધ વિસ્તારોમાં RTI દાખલ કરીને બાંધકામ કરનારાઓ પાસે ગુનાની ધમકી આપી ખંડણી માંગવાનો ધંધો ચલાવ્યો હતો.

હબીબુર રહેમાન
હબીર રહેમાન ઉર્ફે સૈયદ હબીબ અબ્દુલગની સૈયદ જેની સામે મહીધરપુરા, લાલગેટ, સલામતપુરા અને અઠવા પોલીસ સ્ટેશનોમાં પાંચ ફરિયાદો નોંધાઈ છે. તેણે અત્યાર સુધીમાં 66 જેટલી RTI અરજીઓ કરી હતી, જેની મદદથી એ લોકો પાસે જઈ ધમકી આપતો અને નકલી કાનૂની પગલાંનો ભય બતાવી રૂપિયા પડાવતો.

હેમંત દેસાઈ
હેમંત દેસાઈ જેની વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ચાર અલગ ફરિયાદો નોંધાઈ છે. હેમંતે RTIનો દુરુપયોગ કરીને વિસ્તારના બિલ્ડરોને ટારગેટ કર્યા હતા અને કાયદાકીય કાર્યવાહીનો ભય બતાવી પૈસા માગ્યા હતા.

સુશાંત ત્રિપાઠી
સુશાંત ત્રિપાઠી જેની સામે સચિન પોલીસ સ્ટેશનમાં ચાર ફરિયાદો નોંધાઈ છે. પોલીસે જણાવ્યું કે તે RTIની મદદથી બાંધકામના દસ્તાવેજો મેળવી, પછી બિલ્ડરોને ધમકાવી તોડ માંગતો હતો.

મનીષ ઘંટીવાલા
મનીષ ઘંટીવાલા જેની વિરુદ્ધ ઉધના પોલીસ સ્ટેશનમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. મનીષે પણ ઘણું નુકસાન પહોંચાડ્યું હોવાનો પોલીસનો દાવો છે.
5 શખસોએ ગેરકાયદે બાંધકામની 164 અરજી અને 244 RTI કરી

કથિત RTI એક્ટિવિસ્ટોની મોડસ ઓપરેન્ડી કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટોની અરજીથી લઈ ખંડણી સુધીની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં તેઓ પહેલા સરકારી કચેરીમાં RTI અરજી કરીને બાંધકામની તમામ માહિતી અને નકશા મેળવતા હતા. ત્યારબાદ સીધા બાંધકામની સાઈટ પર પહોંચી જતા. હાથમાં મેજરમેન્ટ પટ્ટી લઈને સાઇટ પર માપણી કરવાનું નાટક કરતાં અને પછી દાવો કરતા કે બાંધકામ નકશા મુજબ નથી. તે આધારે બિલ્ડરોને કાયદાની કાર્યવાહીની ધમકી આપી ખંડણીની માંગણી કરતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ રીતે તેઓએ લાખો રૂપિયાનો તોડ કર્યો છે.

સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા ગુનાઓની સંખ્યા
આરોપીઓ એકબીજાની મિલિભગતથી તોડબાજી કરતા આ પાંચ આરોપીઓએ મળીને RTI કરી ગેરકાયદે બાંધકામના મામલાઓ ખોલી, અધિકારીઓને દબાણમાં મૂકી અને ક્યારેક તો મ્યુનિસિપલ કર્મચારીઓની અંદરથી માહિતી મેળવી લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાનો વ્યવસ્થિત પ્લાન તૈયાર કર્યો હતો. વિશેષ ઓપરેશન દરમિયાન સામે આવ્યું છે કે, કેટલાક પાલિકા કર્મચારીઓ પણ આ રેકેટમાં સામેલ છે. મ્યુનિસિપલ સર્વેયર રૂબીના બેક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેણે પોતાની પતિ અને ભાઈને બાંધકામની વિગતો આપી હતી, જેને આધારે તેઓ પણ ખંડણી ઉઘરાવતા હતા. જોકે તેને આગોતરા જામીન મળી ગયા છે.

રાજદીપસિંહ નકુમ, ડીસીપી
આ કાર્યવાહી ફક્ત RTIનો દુરુપયોગ કરનારાઓ સામે- પોલીસ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમની ટીમે તમામ પોલીસ સ્ટેશનોમાંથી ડેટા એકત્ર કરીને આરોપીઓને શોધી કાઢ્યા છે. આ સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં પણ આવી જ રીતે કાર્યવાહી થશે. આરોપીઓ કોઈપણ વ્યક્તિના બાંધકામને લઈ સરકારી કચેરીમાં આરટીઆઈ કરતા હતા અને માહિતી મેળવીને તેમની પાસે જઈને તેમને ધમકાવી ગેરકાયદેસર રીતે ખંડણીની માંગણી કરતા હતા. 5,000થી લઈ લાખો રૂપિયા સુધીની ખંડણીની માંગણી કરવામાં આવતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ મુહિમ માત્ર એવા આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુદ્ધ કરવામાં આવી રહી છે કે જેઓ આરટીઆઈ કર્યા પછી ખોટી રીતે લોકોને હેરાન પરેશાન કરી ખંડણીની માંગણી કરે છે. અન્ય આરટીઆઈ એક્ટિવિસ્ટ વિરુદ્ધ આવી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ એવા લોકો છે જે સામાન્ય લોકોને હેરાન કરે છે.
ધારાસભ્યની રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવી સુરતમાં ઘણા સમયથી કથિત આરટીઆઈ એક્ટિવિસ્ટ બિલ્ડર અને સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા હતા અને ખંડણીની માંગણી કરી રહ્યા હતા. સુરત પૂર્વમાં આવા લોકોની ફરિયાદ ધારાસભ્ય અરવિંદ રાણા પાસે ગઈ હતી. તેમણે આ અંગે સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પણ ફરિયાદ કરી હતી. પરંતુ માથાભારે ઈસમો સામે ફરિયાદી આવતાં નહોતા. અંગે અરવિંદ રાણાએ સંકલનની બેઠકમાં પણ ફરિયાદ કરી હતી. આગ્રહ કલેક્ટરની સૂચના બાદ સુરત પોલીસ દ્વારા આ આખી ઓપરેશનની શરૂઆત થઈ હતી.
આ સમગ્ર મામલે ટેલિફોનિક રીતે ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મને અમારા વિસ્તારના લોકો આવીને ફરિયાદ કરી રહ્યા હતા કે આરટીઆઈના નામે કેટલાક લોકો તેમની દ્વારા કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદેસર જણાવીને હેરાન પરેશાન કરી રહ્યા છે. પહેલા મેં તેની વાસ્તવિકતા શું છે તેની તમામ જાણકારી મેળવી અને ઘણા કેસોમાં આ સત્ય હોવાનું બહાર આવ્યું. ત્યાર પછી મેં સ્થાનિક તંત્રને પણ ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય નિકાલ ન આવતા આ અંગે વારંવાર રજૂઆત ચાલુ રાખી અને સંકલનમાં પણ ફરિયાદ કરી હતી.