વડોદરા શહેરમાં હાલ રોંગ સાઈડ જઈ રહેલા વાહનચાલકો સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં આજે રોંગ સાઈડ જઈ રહેલા 68 વાહન ચાલકો સામે આજે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ટ્રાફિક પોલીસે 102 વાહન ચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
.
વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી
વડોદરા ટ્રાફિક DCP જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જાહેર માર્ગ ઉપર વાહનચાલકો રોંગ સાઈડ વાહન ચલાવતાં હોવાના કારણે અકસ્માત સર્જાતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી રોંગ સાઈડ ચલાવનાર વાહનચાલકો વિરૂધ્ધ સ્થાનિક પોલીસને સાથે રાખી અલગ-અલગ ટીમો બનાવી ટ્રાફિક શાખા દ્વારા તા. 22 જૂન 2024થી તા. 28 જૂન 2024 સુધી ખાસ ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઝૂંબેશ દરમિયાન વડોદરા શહેરમાં રોંગ સાઈડ આવતા વાહનચાલકોને પકડી, પોલીસ સ્ટેશન બોલાવી તેઓના વાહનના પડતર ઈ-ચલણની માહિતી કઢાવી અને પડતર ચલણો સામે માંડવાળ રકમની ચુકવણી કરવા અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરતા છેલ્લા ચાર દિવસમાં રોંગ સાઈડ આવતાં કુલ-23 વાહનચાલકોને બાકી ઈ-ચલણના નાણાં ભરાવ્યા છે. તેમજ ભવિષ્યમાં આ રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લઘંન ન કરે અને પોતાની સુરક્ષા અંગે ધ્યાન રાખે તે માટે 102 વાહનચાલકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ 341 વાહનચાલકો વિરુદ્ધ અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે.
68 વાહનચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો
તેઓએ ઉમેર્યું હતું કે, આજે રોંગ સાઇડ વાહન ચલાવનાર 68 વાહનચાલકો વિરુદ્ધ IPC-279 તેમજ એમ.વી.એક્ટ 184 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. જેથી, વડોદરા શહેરના તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે, ટ્રાફિક નિયમોનું સુચારૂરૂપે પાલન કરે અને પોતાની તેમજ અન્યની જીંદગી જોખમમાં મુકાય તે રીતે વાહન ન ચલાવે.
આ સ્થળોએ રોંગ સાઇડ જતા વાહનચાલકો સામે કામગીરી
- આજવા બ્રિજના છેડે
- સુપર બેકરી ત્રણ રસ્તા
- APMC માર્કેટ
- માણેકપાર્ક સર્કલ
- બ્રાઈટ સ્કુલ, અમિતનગર બ્રિજ પાસે
- માણેજા ક્રોસિંગ
- કપુરાઈ બ્રિજ
- ગેંડા સર્કલ
- કારેલીબાગ પાણીની ટાંકી
- પોલીસ ભવન બહારના ભાગે
- દેણા બ્રિજ
- ગુજરાત કિડની હોસ્પિટલ
- માંડવી સર્કલ
- વી માર્ટ કટ