હેલીકોપ્ટરમાં વેલ આવતા ગામલોકો જોવા ઉમટી પડ્યા
કેટલાક લોકોએ હેલિકોપ્ટરની સાથે સેલ્ફી પણ પડાવી
Updated: Dec 12th, 2023
જામનગર તા 12, મંગળવાર
હાલ લગ્નની સીઝન પુરબહારમાં છે ત્યારે ગઈકાલે જામનગરમાં રજવાડી ઠાઠ સાથે લગ્નોત્સવ યોજાયા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં વરરાજાની વેલ હેલીકોપ્ટર મારફતે ભાવનગરથી જામનગર પહોંચી હતી. રજવાડી ઠાઠ સાથે હેલીકોપ્ટરમાં વેલ આવતા ગામલોકો જોવા ઉમટી પડ્યા હતા.
હેલિકોપ્ટર મારફતે વેલનું આગમન થયું
જામનગર શહેરમાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે, ત્યારે વરરાજાની એન્ટ્રી પાડવા માટેના નવા નવા અને આકર્ષક પ્રયોગો થઇ રહ્યા છે, તે પ્રકારનો એક પ્રયોગ ગઈકાલે જામનગરમાં જોવા મળ્યો હતો, અને રાજપૂત પરિવારમાં વરરાજાની ભાવનગરથી વેલ હેલિકોપ્ટર મારફતે જામનગર આવી પહોંચી હતી, આ વેળાએ પરિવારજનો તેમજ અન્ય લોકો ટોળે વળ્યા હતા. જામનગરના રાજપૂત સમાજના અગ્રણી અજયસિંહ છત્રસિંહજી ચુડાસમાના પુત્રના લગ્ન પ્રસંગમાં બદલાતા સમયે અને પરંપરાઓની વચ્ચે સંસ્કૃતિનો પણ સુગમ સાથે રજવાડી ઠાઠમાઠ જોવા મળે તે માટે પરિવારના આંગણે ગઈકાલે હેલિકોપ્ટર મારફતે વેલનું આગમન થયું હતું. ભાવનગરથી વરરાજાની આવેલી વેલ માટે ભારે ઠાઠમાઠ સાથે પરીવારજનો જોવા મળ્યા હતા. શહેરની મધ્યમાં હેલિકોપ્ટરનું ઉતરાણ થયું, ત્યારે પરિવારના સભ્યો અને નિમંત્રિત મહેમાનો તેમજ અન્ય લોકો ટોળે વળ્યા હતા. કેટલાક લોકોએ હેલિકોપ્ટરની સાથે સેલ્ફી પણ પડાવી હતી.