Deesa Blast Case, Banaskantha : બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ મોનાણી અને તેના પુત્ર દીપક મોનાણી (સિંધી) વિરૂદ્ધમાં સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો દાખળ કરીને ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમાં કોર્ટે આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટમાં 21 નિર્દોષના મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, ડીસામાં વિસ્ફોટનો આરોપી દિપક સિંધી ભાજપનો પ્રાથમિક સભ્યો હોવાનું સામે આવ્યું છે. દિપક ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી હતો અને વર્ષ 2014-17માં યુવા ભાજપનો મંત્રી પણ રહી ચૂક્યો છે.
આ પણ વાંચો: ડીસા બ્લાસ્ટ કેસ: નર્મદા કિનારે 18 મૃતકોના અંતિમ સંસ્કાર, મોઢું પણ ન જોઈ શક્યા સ્વજનો
શું હતી સમગ્ર ઘટના?
બનાસકાંઠાના ડીસામાં આવેલી GIDCમાં ગત મંગળવારે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો, જેથી અનેક મજૂરોના શરીરના અંગ 50 મીટર દૂર ફંગોળાયા હતા. જ્યારે ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળી આવ્યા હતા. ભયાનક વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત નીપજ્યા હતા. જેમાં 5થી 8 વર્ષના બાળકો પણ હતા. આ તમામ મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. આજે ગુરુવારે દેવાસના નેમાવર ઘાટ પર 18 લાશોના એકસાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.