વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે એફવાય ઓનર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે એટીકેટીનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.જોકે વેકેશન પૂરુ થવા આવ્યું પણ આ નિયમ પ્રમાણે પરિમામ જાહેર થયા નથી.જેના કારણે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે.
જૂના નિયમ પ્રમાણે એફવાય ઓનર્સમાં એક પણ વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીને એસવાયમાં પ્રવેશ મળે તેમ નહોતો.જોકે તેની સામે ભારે ઉહાપોહ થયો હતો.કારણકે આ નિયમ પ્રમાણે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં જઈ શકે તેમ નહોતા.આ પૈકી ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ તો એકલા કોમર્સ ફેકલ્ટીના જ હતા.
એ પછી સત્તાધીશોએ નવો નિયમ બનાવ્યો હતો અને તે અનુસાર પહેલા વર્ષમાં કુલ ૪૪ ક્રેડિટ પૈકી જે વિદ્યાર્થીએ ૪૪ થી ઓછી અને ૨૮ થી વધારે ક્રેડિટ મેળવી હોય તેમને એટીકેટી આપવાનો નિર્ણય લેવાયો હતો.જોકે આ નિર્ણયનો અમલ કરવામાં દોઢ મહિનો નીકળી ગયો હોવાથી પહેલા નાપાસ થયેલા અને હવે નવા નિયમ પ્રમાણે એટીકેટી મેળવનારા વિદ્યાર્થીઓના નવેસરથી પરિણામ હજી જાહેર થયા નથી.જેના કારણે આ વિદ્યાર્થીઓના એસવાયમાં એડમિશન ક્યારે થશે તેને લઈને પણ અનિશ્ચિતાત જોવા મળી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, ઉઘડતા વેકેશને આવા વિદ્યાર્થીઓના નવેસરથી ઓનલાઈન પરિણામ જાહેર થશે.એ પછી તેમની પ્રવેશ કાર્યવાહીમાં બીજા ૧૦ દિવસ જેટલો સમય લાગી શકે છે.જોકે વિદ્યાર્થીઓને માર્કશીટની હાર્ડ કોપી તો નજીકના ભવિષ્યમાં મળે તેવી શક્યતા દેખાતી નથી.
નવા નિયમ પ્રમાણે ૨૦૦૦ પૈકી ૫૦૦ જ વિદ્યાર્થીઓ પાસ થાય તેવી શક્યતા
નવો નિયમ લાગુ થયા બાદ કેટલા વિદ્યાર્થીઓને એટીકેટી મળશે અને તેઓ એસવાયમાં જઈ શકશે તે તો પરિણામ જાહેર થયા બાદ ખબર પડશે પણ સૂત્રોનું કહેવું છે કે, ૨૮ થી વધારે અને ૪૪થી ઓછી ક્રેડિટ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે.લગભગ ૫૦૦ જેટલા જ વિદ્યાર્થીઓ નવા નિયમ પ્રમાણે પાસ થઈને એસવાયમાં જશે.કોમર્સ ફેકલ્ટીમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ જ રહેશે.આમ નવા નિયમને લાગુ કર્યા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ ઘટાડો નહીં થાય.