Shaneshwari Amavasya Hathla: પોરબંદરથી 30 કિલોમીટરના અંતરે દેવભૂમિદ્વારકા જિલ્લામાં આવેલા શનિદેવના જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનેશ્વરી અમાસ નિમિત્તે રાજ્યભરમાંથી અનેક લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. દર વર્ષની જેમ પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને આ જ રીતે રાત્રે 12 વાગ્યા સુધી હાથલામાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળે છે. ખાસ વાત એ છે કે પનોતી ઉતારવા માટે લોકો અહીં ચંપલ અને કપડાં મૂકીને જતાં રહે છે.
જેવું શનિદેવ સ્થાનનું મહત્ત્વ શિગણાપુરમાં છે એવુ જ મહત્ત્વ ગુજરાતમાં આવેલા શનિસ્થાન હાથલામાં રહ્યું છે. એમ મનાય છે કે શનિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં હાથલામાં થયો છે. આથી અહીં શનેશ્વરી અમાસ અને શનિ જ્યંતી અને દર શનિવારે દર્શનાર્થીઓની ભીડ રહે છે. આજે શનેશ્વરી અમાસ નિમિત્તે અનેક ભાવિકો શનિ ચાલીસાના પાઠ કરે છે તેમજ શનિદેવના જપ કરે છે. તેમજ સાડાસાતી પનોતી અને અઢી વર્ષની પનોતી નિવારણ શાંતિ માટે વિશેષ પૂજાવિધિ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ
અહી બાવન ગજની ધજા ચડાવવાનો મહિમા છે. અહીં દર્શન બાદ બૂટ ચંપલ છોડી જવાનો મહિમા હોવાથી લોકોએ આ પરંપરાને નિભાવે છે. અહીં આવતા યાત્રિકો પૈકી અનેક યાત્રિકો પદયાત્રા કરે છે. જેથી પદયાત્રીઓ માટે રસ્તામાં ચા-નાસ્તાની સવલત રાખવામાં આવે છે.
અન્ય એક માન્યતા મુજબ આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્ત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તરીકે ઓળખાય છે.