ભગવાન શિવને રિઝવવા મહાશિવરાત્રિના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવને કોઈ પણ નાનામાં નાની વસ્તુ અર્પણ કરવામાં આવે તો તેનું અનેક ગણું ફળ લોકોને પ્રાપ્ત થતો હોય છે. ત્યારે સુરતમાં પ્રકાશભાઈ અને તેમનો જરીવાલા પરિવાર છેલ્લા 45 વર્ષથ
.
ઘી પર શિવજીનું પેઇન્ટિંગ બનાવ્યું જરીવાલા પરિવાર દ્વારા ઘી પર શિવજીનું પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ કલાત્મક પેઇન્ટિંગ શિવરાત્રિના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. ઘણા લોકો ઘી પર પેઇન્ટિંગ બનાવવા માટે પૈસા લેતા હોય છે પણ પ્રકાશભાઈ અને તેનો પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે ઘી પર પેઇન્ટિંગ અને કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે.
બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરશે પ્રકાશભાઈ જરીવાલા સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી સીધી શેરીમાં પોતાના પરિવાર સાથે રહે છે અને તેઓ 45 વર્ષથી ભગવાન શિવને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે. આ સાથે ઘી પર શિવજીનું પેઇન્ટિંગ પણ કરવામાં આવે છે. પ્રકાશભાઈ ઘીના કમળ અને ઘી પર પેઇન્ટિંગ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે. જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

એકપણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરે છે પ્રકાશભાઈ જરીવાલાના પોતાના ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો તેમજ આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રિના 15 દિવસ પહેલા જ ઘી પર પેઇન્ટિંગ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. સુરતના 20થી 25 જેટલા મંદિરો માટે એકપણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે.

ગરમ ઘીને અલગ અલગ રીતે ઠંડુ કરવામાં આવે છે ઘીના કમળ તૈયાર કરવા માટે કાચા ઘીને સૌપ્રથમ તો ફીણવામાં આવે છે અને ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે છે અને આ ગરમ કરેલા ઘીને અલગ અલગ રીતે ઠંડુ કરીને જમાવવામાં આવે છે અને ત્યાર બાદ જામી ગયેલા ઘીમાંથી કમળનો આકાર તૈયાર કરવામાં આવે છે. આ જ પ્રકારે ઘીને અલગ અલગ સાઈઝની પ્લેટોમાં જમાવીને તેના પર ક્લાત્મક રીતે અલગ અલગ કલરનો ઉપયોગ કરીને ભગવાન શિવની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવે છે.

ઘી ઉખડી જવાનો ડર રહે છે પ્રકાશભાઈ જરીવાલાના પુત્રવધૂ પ્રિયંકાબેન જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કેનવાસ પર જ્યારે કોઈ પણ ચિત્ર તૈયાર કરવામાં આવતું હોય છે, ત્યારે આસાનીથી આ ચિત્ર તૈયાર કરી શકાય છે. કારણ કે કેનવાસ ફાટી જવાનું કે ઉખડી જવાનો ડર રહેતો નથી. પરંતુ જ્યારે ઘીને જમાવીને તેના પર અલગ અલગ કલરથી પીંછી વડે ડ્રોઈંગ તૈયાર કરવામાં આવે છે, ત્યારે બીજી વખત પીંછી અડાડતા ઘી ઉખડી જવાનો ડર રહે છે અને આ ડ્રોઈંગ તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ છે.

ઘીનો ઉપયોગ દીવામાં દિવેલ તરીકે કરાય છે વધુમાં જણાવ્યું હતું કે, અલગ અલગ મંદિરોમાંથી ઘી ઉપર ચિત્ર તૈયાર કરવા માટે કહેવામાં આવે છે અને મંદિરો તરફથી જે ઘી આપવામાં આવે છે તેના પર ચિત્ર કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ચિત્ર થયા બાદ તેને અલગ અલગ મંદિરમાં 10થી 15 દિવસ સુધી ભગવાન પર ચઢાવવામાં આવે છે અને ત્યાર બાદ આ ઘીનો ઉપયોગ દીવામાં દિવેલ તરીકે કરવામાં આવે છે.