શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા લોંખડવાલા હોસ્પિટલમાં ગત મોડીરાતે ડોક્ટર પર દર્દી અને તેના સગાએ છરી વડે હુમલો કરતા ચકચારમચી ગઇ છે. પોલીસ કેસ થતો હોવાથી તેમજ સર્જન નહીં હોવાના કારણે ડોક્ટરે દર્દીને બીજી હોસ્પિટલમાં લઇ જવા માટે સગાને સૂચન કર્યુ હતું.
.
ફરિયાદી છેલ્લા અઢી વર્ષથી લોંખડવાલા હોસ્પિ.માં ફરજ બજાવે છે દરિયાપુર વિસ્તારમાં આવેલા પ્રેમ દરવાજા પાસે લોંખડવાલા હોસ્પિટલમાં રહેતા સફવાન બાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ છરી વડે હુમલાની ફરિયાદ કરી છે. ડો. સફવાન બાદી મુળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મહિકા ગામનો રહેવાસી છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સફવાન ડોક્ટર છે અને છેલ્લા અઢી વર્ષથી લોંખડવાલા હોસ્પિટલમાં મેડિલક ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ડો. સફવાન બાદીના માતા-પિતા મહિકા ગામમાં રહે છે, જ્યારે તેનો મોટોભાઇ અબ્દુલ રસીદ સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.
મારામારીની શંકાએ ડોક્ટરે પોલીસ કેસ થશે તેવું કહ્યું ડો. સફવાન બાદી સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા હોય છે. ગઇકાલે (3 ફેબ્રુઆરી) ડો. સફવાન બાદી રાબેતા મુજબ હોસ્પિટલમાં નોકરી પર આવી ગયો હતો. રાતે નવ વાગ્યાની આસપાસ બે અજાણ્યા શખ્સો એક દર્દીને લઇને લોંખડવાલા હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ડો. સફવાન બાદીએ દર્દીને તપાસ કરતા તેના શરીર પર ઇજાના નીશાનો હતા. ઇજાના નીશાન હોવાથી દર્દીની કોઇની સાથે મારામારી થઇ હોવાનું સામે આવતા ડો. સફવાન બાદીએ પોલીસ કેસ થશે તેવુ કહ્યુ હતું.
ગાળો બોલવાની ના પાડતા ડોક્ટરને છરી મારી દીધી સફવાને દર્દીના સગાને કહ્યુ હતું કે, અમારી હોસ્પિટલમાં કોઇ સર્જન નહીં હોવાથી તેને બીજી હોસ્પિટલમાં લઇ જાઓ. ડો. સફવાનની વાત સાંભણીને દર્દીના સગા ગિન્નાયા હતા અને હોસ્પિટલમાં બબાલ કરવાનું શરૂ કરી દીધુ હતું. દર્દીના સગાએ હોસ્પિટલના સ્ટાફ સાથે બબાલ કરી હતી અને ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાનમાં દર્દી અને તેના સગાએ હોસ્પિટલમાં ગાળો આપવાની શરૂ કરી દીધી હતી. ડો. સફવાને ત્રણેયને ગાળો બોલવાની ના પાડી હતી અને બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાનું કહ્યુ હતું. જોતજોતામાં મામલો એટલી હદે બીચક્યો કે ત્રણ શખ્સો પૈકી એક શખ્સે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને ડો. સફવાનની છાતીમાં હુલાવી દીધી હતી. છરી વાગતાની સાથે જ ડો. સફવાન લોહીથી લથબથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો થવાની બુમાબુમ થતાની સાથેજ સારવાર માટે આવેલો દર્દી અને તેના સગા નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ડો. સફવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર પર હુમલાની જાણ થતાની સાથેજ દરિયાપુર પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને ત્રણ અજાણ્યા શક્સો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.