મકરસંક્રાંતિના પવિત્ર દિવસે મોરબી શહેરમાં ગૌસેવા માટે અભૂતપૂર્વ દાનનો પ્રવાહ વહ્યો છે. શહેરની પાંજરાપોળને માત્ર એક જ દિવસમાં ₹75 લાખથી વધુનું દાન પ્રાપ્ત થયું છે. આ પાંજરાપોળમાં હાલમાં 5,320 અંધ, અપંગ અને નિરાધાર ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.
.
દાન સંકલન કાર્યક્રમમાં ધારાસભ્ય અને ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયા, પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ ઉઘરેજા અને હિતેશભાઇ ભાવસાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં 38 વિવિધ સ્થળોએ દાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં નગરજનોએ રોકડ રકમ અને ઘાસચારાના રૂપમાં દાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મોરબી પાંજરાપોળ માત્ર સ્થાનિક લોકોના દાનથી જ ચાલે છે અને અન્ય શહેરોમાં ફાળો એકત્ર કરવા જતા નથી. રાજવી પરિવારે વર્ષો પહેલા હજારો હેક્ટર જમીન પાંજરાપોળને દાનમાં આપી હતી, જેમાંથી ગૌવંશના દૈનિક ખોરાકની 30 ટકા જરૂરિયાત પૂરી થાય છે.
પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યું કે, હિંદુ સંસ્કૃતિમાં દાનનું વિશેષ મહત્વ છે અને મોરબીના લોકો પોતાની શક્તિ અનુસાર નિયમિત દાન આપે છે. આ પાંજરાપોળ છેલ્લા ઘણા વર્ષોથી અબોલ પશુઓની સેવામાં કાર્યરત છે અને સમાજના સહયોગથી તેનું સંચાલન સફળતાપૂર્વક થઈ રહ્યું છે.
મકરસંક્રાંતિએ લોકો દાન આપતા હોય છે ત્યારે, આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં રાખવામા આવેલe સ્ટોલ ઉપર 75 લાખથી વધુનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું તેવું ટ્રસ્ટી પાસેથી જાણવા મળ્યું છે.
અત્રે ઉલેખનીય છે કે, ગૌસેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમિયાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ત્યારે મકરસંક્રતિના દિવસે રાજકીય અને સમાજિક આગેવાન સહિતના લોકો દ્વારા ગૌસેવાના કામ માટે વધુમાં વધુ દાન આપવા માટે મોરબીના લોકોને અપીલ કરવામાં આવી હતી.