રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં આવતી હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડે નહીં તે માટે દાતાઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી આવેલી 7 જેટલી ઈ-રીક્ષા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલનાં PMSSY બિલ્ડીંગ ખાતેનાં પાર્કિંગમાં
.
7 ઇ-રીક્ષાઓ બિન ઉપયોગી સ્થિતિમાં હોવાનું નજરે પડ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ઉંદરો-વંદા અને મચ્છરોનો ત્રાસ હોવાનું તેમજ હોસ્પિટલની લોબી અંદર વાહનો પાર્ક થતા હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે હવે હોસ્પિટલમાં આવેલા PMSSY બિલ્ડીંગનાં પાર્કિંગમાં 7 જેટલી ઈ-રીક્ષાઓ સાવ બિન ઉપયોગી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. દર્દીઓની હેરાફેરી કે અન્ય કોઈપણ કામ માટે આ ઇરીક્ષાઓનો ઉપયોગ કરવામાં આવતો નહીં હોવાથી ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે. જેને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પણ તેનો લાભ મળતો નથી.
દારૂ પરમીટની આવકમાંથી મેનેજમેન્ટ કરવાનું નક્કી કરાયું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સેવા માટે આપવામાં આવેલી ઈ-રિક્ષાઓની સુવિધા સદંતર બંધ કરી દેવામાં આવી છે. અંદાજિત 7 જેટલી રિક્ષાઓ લાખો રૂપિયાના ખર્ચે દાતાઓ પાસેથી દાનમાં મળેલી છે. તેમજ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિને દારૂ પરમીટમાંથી થતી આવકમાંથી આ ઈ-રીક્ષા વાહનો અને તેનું મેનેજમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હાલ ઈ-રીક્ષાઓ ધૂળ ખાતી જોવા મળી રહી છે.

દર્દીઓ માટે આપેલી ઇ-રીક્ષાનો ઉપયોગ કરવો જોઈએ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, આ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ અને આરએમઓની ખામી છે. વધુમાં વધુ જવાબદારી આ માટે સરકારની છે. કોઈ દાતા જ્યારે દિવ્યાંગો અને દર્દીઓ માટે આ પ્રકારે મદદ કરીને ઈ-રીક્ષાઓ આપે છે. ત્યારે તેનો ઉપયોગ તો કરવો જ જોઈએ. આવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો એ તંત્રની અણઆવડત સાબિત કરે છે. જેને કારણે આ ઈ-રીક્ષાઓ ધૂળ ખાય છે. અને જેમણે આપી છે તેને પણ આ મદદ ખોટી જગ્યાએ આપી હોવાની લાગણી થતી હશે. શાસન જ્યારે ખોટા હાથમાં હોય ત્યારે આવી જ દશા થાય છે.

દર્દીઓની હેરફેર સેફ ન લાગતા બંધ કરવાનો નિર્ણય કરાયો સમગ્ર મામલે રાજકોટ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ ઈ-રીક્ષામાં દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવતા હતા, પરંતુ તે એટલું સેઈફ નહીં લાગતા દર્દીઓની હેરફેર બંધ કરવામાં આવી હતી. જોકે હવે ઈ-રીક્ષાઓ દ્વારા દવાઓ સહિતના સામાનની હેરાફેરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે. સોમવારથી જ ઈ-રીક્ષાઓનો સામાન ફેરવવા માટે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો.

હોસ્પિટલમાં માત્ર એક ઇ-રીક્ષા ઉભી હોવાનું નજરે પડ્યું ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પ્રજાના ટેક્સના પૈસાથી લોકોના જન આરોગ્ય માટે હોસ્પિટલ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. છતાં તંત્રની બેદરકારીથી મળેલી સુવિધાઓનો પૂરતો ઉપયોગ થતો નથી. તેમજ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગા સબંધીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર સામાન્ય દર્દીને પાયાની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. સિવિલ અધિક્ષકનાં જણાવ્યા મુજબ સામાન માટે ઉપયોગ શરૂ કરાયો છે, પરંતુ હોસ્પિટલમાં માત્ર એક જ ઈ-રીક્ષા ઉભી હોવાનું જોવા મળ્યું હતું.