વડોદરાઃ કારેલીબાગના બહુચર્ચિત હિટ એન્ડ રન કેસના આરોપી રક્ષિત ચોરસિયાનું યુપીનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થવાનું લગભગ નિશ્રિત છે.ગમે તે ઘડીએ યુપી આરટીઓ આ અંગે નિર્ણય લઇ લેશે.
કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની રાતે પૂરઝડપે આવી રહેલા રક્ષિત ચોરસિયાએ એક પછી એક ત્રણ સ્કૂટરને ઉડાડી દેતાં આઠ જણા ફંગોળાયા હતા અને તેમાં હેમાલી પટેલનું મોત નીપજ્યું હતું.આ બનાવ બાદ રક્ષિતની સાથે બેઠેલા કાર માલિક રાજેશ ચૌહાણના પુત્ર પ્રાંશુ અને સુરેશ ભરવાડની પૂછપરછ કરી તેમના પણ બ્લડ સેમ્પલ લીધા છે.
બીજીતરફ કારેલીબાગ પોલીસની એક ટીમ યુપી રવાના થઇ છે.જ્યાં રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં તમામ કેસ પેપર્સ રજૂ કરી દેવામાં આવ્યા છે અને ગમે તે ઘડીએ આરટીઓ તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી દેશે.તો રક્ષિતના પરિવારજનો યુપીમાં નહિ હોવાથી તેમની પૂછપરછ થઇ નથી.પરિવાર જનો વડોદરા આવ્યા હોવાની પોલીસને માહિતી મળી છે.
રક્ષિત અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ ટૂંકમાં મળી જશેઃDCP
હિટ એન્ડ રનના ચકચારી કેસનું સુપરવિઝન કરતા ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,રક્ષિત અને તેની સાથે કારમાં બેઠેલા પ્રાંશુએ એક્સિડન્ટ પહેલાં કિશનવાડી વિસ્તારના સુરેશ ભરવાડને ત્યાં પોણો કલાક મીટિંગ કરી હતી. જેથી તેમણે દારૃ કે અન્ય કોઇ ડ્રગ્સનો નશો કર્યો હતો કે કેમ તે જાણવા ત્રણેયના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેનો રિપોર્ટ ત્વરિત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને ફરીથી રિમાઇન્ડર મોકલવામાં આવ્યું છે.ટૂંક સમયમાં જ તેમનો રિપોર્ટ આવી જશે.