કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે અદાણી ફાઉન્ડેશને મહત્વનું પગલું ભર્યું છે. ફાઉન્ડેશને ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત મુંદરા, માંડવી, નખત્રાણા, લખપત, ભુજ અને અબડાસા તાલુકાની 51 સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઊભી કરી
.
દરેક સ્માર્ટ ક્લાસમાં 55 ઇંચનું LED ટીવી અને વિશેષ શૈક્ષણિક સોફ્ટવેર સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રોજેકટ પાછળ કુલ 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના ભોજાય પ્રાથમિક શાળામાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી.એસ. ગઢવીએ સ્માર્ટ ક્લાસના સાધનોનું અર્પણ કર્યું હતું.
ઉત્થાન પ્રોજેકટ હેઠળ માત્ર સ્માર્ટ ક્લાસ જ નહીં, પરંતુ શાળાઓમાં સંગીત, રમતગમત કીટ, પુસ્તકાલય, આઈ.ટી. ઓન વ્હીલ્સ અને બાલા પેઇન્ટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને જે શાળાઓમાં સરકાર તરફથી સ્માર્ટ ક્લાસની સુવિધા નથી, તેવી શાળાઓને આ પ્રોજેકટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે.
પાંચ વર્ષ પહેલા શરૂ થયેલા આ પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને આધુનિક બનાવવાનો છે. આ સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓ ભાર વગરનું ભણતર મેળવી શકશે અને આધુનિક શિક્ષણના પ્રવાહમાં જોડાઈ શકશે. શિક્ષકો અને વાલીઓને પણ સ્માર્ટ એજ્યુકેશન માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.