– અગાઉ છ સહકારી મંડળીના 106 મતદારો રદ કરાયા હતા
– વેપારી મંડળના ચાર સભ્યોના મત ગેરકાયદે રદ કર્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ : ૧૦૫ મતદારોના નામ રદ કરવાની માંગણી
આણંદ : બોરસદ એપીએમસીની ૧૪ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં નવો વળાંક સર્જાયો છે. ગત ગુરૂવારે ચૂંટણી અધિકારી દ્વારા છ સહકારી મંડળીને ગેરકાયદે હોવાનું જાહેર કરી ૧૦૩ મતદારોના નામ રદ કર્યા હતા. તેમજ નવી મતદાર યાદી જાહેર કરી હતી. તેવામાં કોંગ્રેસ સમર્થકોએ વધુ પાંચ સહકારી મંડળીના વધુ ૧૦૫ મતદારો ગેરકાયદે હોવાના અને વેપારી મંડળના ચાર સભ્યોના ગેરકાયદે મત રદ કરાયા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. તેમજ ૧૦૫ મતદારોના નામ રદ કરવા માંગ કરી હતી.
બોરસદ એપીએમસીની ચૂંટણી પૂર્વે મતદાર યાદી જાહેર કરાઈ હતી. પ્રથમ વખત જાહેર કરાયેલી મતદાર યાદીમાં ૩૭ સહકારી મંડળીઓના ૭૨૮ મતદારો નોંધાયા હતા. થોડા દિવસો અગાઉ અલારસા સેવા સહકારી મંડળીના વાઈસ ચેરમેન અને બોરસદ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશોક મહિડાએ લેખિત પુરાવા સાથે મતદાર યાદી સામે વાંધા અરજી દાખલ કરી હતી. જે સંદર્ભે ગત ગુરૂવારે ચૂંટણી અધિકારીએ સુનાવણી હાથ ધરી ૩૭માંથી ઉનેલી, નિસરાયા, દેદરડા, મોટી શેરડી, જૂના બદલપુર અને કંકાપુરા સહકારી મંડળીના ૧૦૩ મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. પરિણામે નવી જાહેર કરાયેલી બીજી યાદીમાં ૩૧ સહકારી મંડળીઓના ૬૨૫ મતદારો નોંધાયા હતા. તેવામાં એપીએમસીમાં કોંગ્રેસ સમર્થકોએ અલારસા, વાસણા (રાસ), કાંધરોટી, રાસ અને વાસણા (બો)ના કુલ ૧૦૫ મતદારો ગેરકાયદે હોવાનું જણાવી, તેમના મતો રદ કરવા શુક્રવારે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. તેમજ વેપારી મંડળના ચાર સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી લાયસન્સ ધરાવતા હોય અને રૂ.૫૦ હજારથી વધુ રકમની ડિપોઝિટ પણ ભરતા હોવા છતાં મતદાર પ્રસિદ્ધ કરનારા અધિકારીએ રેકર્ડ અને પુરાવા સાંભળ્યા વિના એકતરફી નિર્ણય લઈને ચાર વેપારીઓના મતો રદ કર્યા હોવાના આક્ષેપ પણ રીટમાં કરવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા કોઈપણ ભોગે એપીએમસીમાં સત્તા મેળવવા રાજકીય ઈર્ષા ધરાવીને ઈરાદાપુર્વક છ મંડળીઓના મતદારોને રદ કરવા સામ-દામ- દંડ અને ભેદની નીતિ આપનાવતું હોવાના આક્ષેપ કોંગ્રેસે લગાવ્યા હતા. તેમજ આગામી દિવસોમાં બોરસદ પંથકમાં હજારથી વધુ ખેડૂતોની આણંદમાં રેલી યોજી આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
મને રીટની જાણ થઇ નથી ઃ વહીવટદાર
આણંદ જિલ્લા રજિસ્ટ્રાર અને બોરસદ એપીએમસીના વહીવટદાર અભિષેક સુવાએ જણાવ્યું હતું કે, મને હજૂ રીટની જાણ થઈ નથી. જો રીટ થઈ હોય તો મતદાર યાદી સંદર્ભે કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી મતદાર યાદી પ્રસિદ્ધ કરનાર અધિકારીની છે. હાઈકોર્ટમાં પણ મતદાર યાદી પ્રસિદ્ધ કરનારા અધિકારીએ જવાબ આપવાના હોય છે. આ રીટ ચૂંટણી અધિકારી સામે નથી, માત્ર મતદાર યાદી પ્રસિદ્ધ કરનાર અધિકારી સામે થઈ હશે.