મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મોટાપાયે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. 27 જાન્યુઆરી 2025ના રોજ કંપનીની વડોદરા સ્થિત કોર્પોરેટ ઓફિસ દ્વારા આયોજિત આ સરપ્રાઈઝ ચેકિંગમાં 27 ટીમો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી
.
MGVCLના ચેકિંગ દરમિયાન કુલ 738 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 107 કનેક્શનમાં વીજચોરી થતી હોવાનું બહાર આવ્યું હતું. વીજ કંપનીએ આ ચોરીના કેસોમાં અંદાજે રૂપિયા 18.38 લાખનો દંડ ફટકાર્યો છે. આ અચાનક ચેકિંગની કાર્યવાહીથી વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ કાર્યવાહી વીજચોરી અટકાવવા અને કંપનીને થતા આર્થિક નુકસાનને રોકવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આવી સઘન ચેકિંગની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, જેથી વીજચોરીના કિસ્સાઓને અટકાવી શકાય.