વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરને યુકેની કંપનીએ આયુર્વેદિક લીક્વિડની ડીલની લાલચમાં ફસાવી જુદા જુદા બહાના બતાવીને રૃ.સવા કરોડ જેટલી રકમ પડાવી લેતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
કારેલીબાગની અપેક્ષાપાર્કમાં રહેતા જિતેન્દ્રભાઇ પટેલે પોલીસને કહ્યું હતું કે,ગઇ તા.૩જી ડિસેમ્બરે મર્સીફ્રેન્કના નામે મને મેલ આવ્યો હતો અને તેણે યુકેની જેનેસીસ ફાર્મા કંપનીની પરચેઝ મેનેજર છે તેમ કહ્યું હતું.ત્યાર બાદ તેણે કંપનીને ૧૩૦ લીટર પ્લુકેનેશિયા વીજ લીક્વિડની જરૃર છે અને આ લીક્વિડ કૃષ્ણા હર્બલ કોલ્હાપુરમાંથી મળી રહેશે તેમ કહી તેનો સંપર્ક નંબર આપ્યો હતો.
મર્સીએ એમ પણ કહ્યું હતું કે,તેમની કંપની માત્ર લોકલ ડીલરપાસે જ ખરીદી કરતી હોવાથી આ ડીલમાં ઘણો ફાયદો થશે.જેથી એન્જિનિયરે તપાસ કરતાં આ લીક્વિડનો ભાવ લીટરે રૃ.૨.૩૫લાખ હોવાનું જાણવા મળ્યું હતું.
મર્સીએ આ ભાવ કરતાં વધુ ભાવ કંપનીને આપવા કહ્યું હતું અને વચ્ચેનો ગાળો મળે તેના સરખા ભાગ પાડવાની વાત કરી હતી.તેણે ત્યારબાર ડોક્ટર રોનાલ્ડ વિશે વાત કરી હતી.એન્જિનિયરે સ્વખર્ચે એક લીટર લીક્વિડ ખરીદ્યું હતું.ત્યારપછી તેની પાસે રૃ.૪૭ લાખનું ૨૦ લીટર ખરીદ કરાવ્યું હતું.જેના પૈસા પણ એન્જિનિયરે ઓનલાઇન ચૂકવ્યા હતા.આ જથ્થો જાણી જોઇને મોડો મોકલ્યો હતો અને હવે ૫૦ લીટર જથ્થો મોકલવો પડશે તેમ કહી બીજા રૃ.૭૭ લાખનું લીક્વિડ ખરીદ કરાવ્યું હતું.
ત્યારપછી પણ જુદાજુદા બહાના કાઢીને પેમેન્ટના નામે રૃપિયા પડાવવામાં આવતા હતા.જેથી સમજી ગયેલા એન્જિનિયરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
રોનાલ્ડે મુંબઇની હોટલમાં લીક્વિડ પર પ્રયોગ કરી પાસ કર્યું
કંપનીના પરચેઝ મેનેજરના નામે વાત કરનાર મર્સીએ ડોક્ટર રોનાલ્ડને મુંબઇ મોકલ્યો હતો.જ્યાં તેણે વડોદરાના એન્જિનિયર સાથે મુલાકાત કરી એક લીટર લીક્વિડ પર પ્રયોગ કરી પાસ કર્યુું હતું.ત્યારપછી એન્જિનિયરે પેમેન્ટ કર્યું હતું.પણ પછી મર્સીએ રોનાલ્ડને કાઢી મુક્યો છે તેમ કહી વ્યવહાર નહિ કરવા કહ્યું હતું.
વીઝા કાર્ડ લેવું પડશે,8 કરોડ લોડ કરવા એક્ટિવેશન ચાર્જ ,સિક્યુરિટી ચાર્જ લાગશે
વડોદરાના એન્જિનિયર પાસે રૃપિયા પડાવવા માટે ઠગ ટોળકીએ જાતજાતના બહાના બતાવ્યા હતા.કંપનીએ ૨૦૦ લીટર લીક્વિડનું પેેમેન્ટ એક સાથે એડવાન્સમાં કરી દઇશું તેમ કહ્યું હતું,એન્જિનિયરે રૃ.સવા કરોડ જેટલી રકમ ગુમાવી હોવા છતાં ઠગો પેમેન્ટએ પેમેન્ટ માટે વીઝા કાર્ડ લેવડાવી૨ લાખ અને કાર્ડમાં ૮ કરોડ લોડ કરવાના હોવાથી એક્ટિવિેશન ચાર્જ તરીકે ૨.૩૩ લાખ માંગ્યા હતા.આવી જ રીતે સિક્યુરિટી ચાર્જ માટે પણ રૃ.૨.૫૫લાખની માંગણી કરાઇ હતી.