ગાંધીનગરના કુડાસણની સ્કાય સુપર સ્પેસાલીટી હોસ્પિટલમાંથી પેશન્ટ મોનિટર, બાયપેપ સહિત 8 લાખ 89 હજાર 620 ની કિંમતના સાધનો ચોરી જનાર હોસ્પિટલમાં જ નોકરી કરતો એટેન્ડન્ટ હોવાનું સામે આવતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
.
ગાંધીનગરના કુડાસણની સ્કાય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાખો રૂપિયાનાં મેડિકલ સાધનોની ચોરી મામલે વાડે જ ચીભડાં ગળ્યા હોય એવો ઘાટ ઘડાયો છે. હોસ્પિટલના મેનેજર હર્ષિલ દરજીએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં હોસ્પિટલમાં નોકરી કરતા એટેન્ડન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
હોસ્પિટલનાં મેનેજરની ફરીયાદ મુજબ હોસ્પિટલમાં પચાસેક જણાનો સ્ટાફ નોકરી કરે છે. ગઈકાલે મેનેજરને માલુમ પડયું હતું કે, હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમા પેશન્ટની તપાસ કરવા માટે રાખવામા આવેલ પેશન્ટ મોનિટર કી રૂ. 1 લાખ 12 હજાર 500 તેમજ 34 હજાર 700 ની કિંમતનો ઇન્ફૂજન પંપ ચોરાઈ ગયો છે.
જેનાં પગલે સ્ટાફના બાયોમેડીકલ એન્જીનિયર આયુશી મિસ્ત્રી તથા સિકયુરીટી તરીકે નોકરી કરતા ચંદ્રીકાબેને સી.સી.ટી.વી.કેમેરા ચેક કરતા હોસ્પિટલમા પેશન્ટ કેર એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો અરવિંદ માધવલાલ પરમાર (૨હે.ભીમરાવનગર લોદરાગામ) ઉપરોક્ત સાધનો લઈ જતો જોવા મળ્યો હતો.
બાદમાં એચ.ડી.યુ વોર્ડમા પણ તપાસ કરવામાં આવી હતી. જે વોર્ડમાંથી પણ પણ 2 લાખ 42 હજારની કિંમતના સાત ઇન્ફૂજન પંપ તેમજ 4 લાખ 99 હજાર 520 ની કિંમતના બે બાય પેપ પણ ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. જે વોર્ડના કેમેરા પણ ચેક કરતાં અરવિંદ પરમાર જ સાધનો ચોરી કરીને લઈ જતો નજરે પડ્યો હતો. આમ કુલ રૂ. 8 લાખ 89 હજાર 620 ની કિંમતના સાધનો ચોરી જનાર અરવિંદ પરમાર વિરુદ્ધ મેનેજરે ફરીયાદ આપતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.