ગીર સોમનાથ જિલ્લામાં એક હદપાર આરોપીની જિલ્લા સેવાસદન કચેરી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. હરમડીયા ગામના રહેવાસી મનસુખભાઈ ઉર્ફે મુન્નો ભીખાભાઈ ખસીયાને ઉના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ગીર સોમનાથ જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કર્યો હતો.
.
આરોપી લાંબા સમયથી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. તે આર્થિક લાભ માટે સામાન્ય લોકોને ધમકી આપતો હતો. આ કારણે તેને 17 ઓક્ટોબર 2024 સુધી જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આજે આરોપી જિલ્લા સેવાસદન કચેરીના કમ્પાઉન્ડમાં ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો. કલેક્ટર કચેરીની હોમ શાખાએ તાત્કાલિક પોલીસને જાણ કરી. પ્રભાસ પાટણ પોલીસે સ્થળ પરથી જ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.