વિધાનસભામાં રજૂ થયેલા આરોગ્ય આંતરમાળખું અને આરોગ્ય સેવાઓનું વ્યવસ્થાપન પરના કેગના ઓડિટ અહેવાલમાં કચ્છના તંત્રની પણ અનેક ખામીઓ બહાર આવી છે.
.
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓની સુવિધાઓ પૂરી પાડવા માટે દવાઓ, ઔષધો, શસ્ત્રક્રિયા સામગ્રી અને ચીકીત્સા ઉપકરણોની ખરીદી અને પુરવઠો પૂરો પાડવાના હેતુથી સેન્ટ્રલ મેડિકલ સ્ટોર્સ ઓર્ગેનાઈઝેશન (CMSO)ની સ્થાપના કરવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રમાં બદલાતી માંગ અને વિકાસની ગતિ સાથે સંતુલન રાખવા માટે, CMSOને જુલાઈ 2012માં ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL)માં રૂપાંતરિત કરવામાં આવ્યું, જે કંપનીઝ ઍક્ટ હેઠળ નોંધાયેલ એક સ્વાયત્ત સંસ્થા છે. GMSCL હેઠળ, રાજ્યના 33 જિલ્લાઓમાં વિવિધ આરોગ્ય સંભાળ સુવિધાઓમાં દવાઓ/ઉપકરણોના સંગ્રહ અને વિતરણનું કાર્ય સુચારું બનાવવા માટે ભુજ સહિત કુલ 11 ડિસ્ટ્રિક્ટ ડ્રગ્સ વેર હાઉસિસ (DDW) સ્થાપિત કરવામાં આવ્યા છે.
GMSCLની ગુણવત્તા ખાતરી માર્ગદર્શિકાઓ અનુસાર વેર હાઉસિસ ખાતે દવાઓ પ્રાપ્ત થાય ત્યારે ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે નમૂનાઓ એકત્રિત કરી પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી (FDL), વડોદરા ખાતે મોકલવાના હોય છે. જો લેબોરેટરી દ્વારા દવાઓને ”ધોરણસરની ગુણવત્તા રહિત (NSQ)” તરીકે જાહેર કરવામાં આવે, તો ઉપલબ્ધ સ્ટોકને તરત જ નિષ્ક્રિય કરવો જોઈએ. ઓડિટમાં એવું જોવા મળ્યું હતું કે વેર હાઉસિસમાંથી એકત્રિત કરવામાં આવેલા ઘણા નમૂનાઓના પરીક્ષણ રિપોર્ટ FDL દ્વારા જારી કરવામાં આવ્યા નહોતા. ભુજના વેરહાઉસની વાત કરવામાં આવે તો 2019થી 2022 વચ્ચે અહીંથી 1951 નમુના એકત્ર કરી તેના કુલ 1853 સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. જેમાં 307 જેટલા પરીક્ષણ રિપોર્ટ આવ્યા જ ન હતા ! જેની ટકાવારી 5 જેટલી થાય છે. એટલું જ નહીં ભુજના વેરહાઉસમાં એકસ્પાયર્ડ દવાઓ પણ મળી આવી હતી. GMSCLના વેરહાઉસ મેનેજમેન્ટ મેન્યુઅલ અનુસાર, તમામ એકસ્પાયર્ડ દવાઓને નિર્ધારિત કરાયેલ રૂમમાં સંગ્રહવાની પસંદગી કરવાની છે. અલગ રૂમના અભાવમાં એકસ્પાયર્ડ દવાઓને અલગ કબાટમાં સંગ્રહ કરી શકાય છે. આ કબાટ પર ”વાપરવા લાયક ન હોય એવી એકસ્પાયર્ડ દવાઓ” લખાયેલો બોર્ડ સાથે હંમેશા તાળાંબંધ રાખવો જોઈએ અને. રૂમ/કબાટ ડેપો મેનેજરના નિરીક્ષણ હેઠળ હોવો જોઈએ.
એકસ્પાયર્ડ દવાઓને બે ભાગોમાં વર્ગીકૃત કરી શકાય સક્રિય એકસ્પાયર્ડ દવાઓ એટલે કે પુરવઠો/ઉપયોગ ન થતાં એકસ્પાયર થયેલ દવાઓ અને નિષ્ક્રિય એકસ્પાયર્ડ દવાઓ એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા NSQ તરીકે જાહેર કરવામાં આવેલી દવાઓ. ભુજમાં કુલ 2.80 લાખની એકસ્પાયર્ડ દવાઓ મળી આવી હતી. જેમાં 19 હજારની એક્ટિવ એક્સપયાર્ડ દવા અને 2.61 લાખની ઇનેક્ટિવ એક્સપયાર્ડ દવા મળી આવી હતી.