કોઠારિયા રોડ પર નીલકંઠ સિનેમા નજીક ખોડિયાર હોટેલ પાસે સિગારેટ પીવાના મુદ્દે કારખાનેદાર યુવકને છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બે દિવસ પહેલાં થયેલી બોલાચાલીમાં મામલો બિચક્યો હતો અને યુવકની લોથ ઢળી ગઇ હતી.
.
કોઠારિયા રોડ પરની ગીતાંજલિ સોસાયટીમાં રહેતો અને હાર્ડવેરનું કારખાનું ચલાવતો હાર્મેશ હસુભાઇ ગજેરા (ઉ.વ.27) અને તેનો મોટો ભાઇ શનિવારે મોડી સાંજે નીલકંઠ સિનેમા નજીક ખોડિયાર ચાની હોટેલ પાસે હતા ત્યારે નજીકમાં જ ઓફિસ ધરાવતાં દોલતસિંહ ભાવસીંગ સોલંકી સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા દોલતસિંહે હાર્મેશને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હાર્મેશ ગજેરાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, હાર્મેશ ગજેરા બે ભાઇમાં નાનો છે અને ખોડિયાર હોટેલ પાસે ફાઇનાન્સની ઓફિસ ધરાવતાં દોલતસિંહ સોલંકી સાથે બે દિવસ પહેલાં તેને બોલાચાલી થઇ હતી. હાર્મેશ ફાયનાન્સરની ઓફિસના દાદરા પર બેસીને સિગારેટ પીતો હતો જે બાબતે દોલતસિંહએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતે હાર્મેશે તેના મોટાભાઇને જાણ કરી હતી. શનિવારે સાંજે હાર્મેશ અને તેનો ભાઇ દોલતસિંહને સમજાવવા માટે ગયા હતા અને ખોડિયાર હોટેલ પાસે એકઠા થયા હતા. અગાઉની બોલાચાલી બાબતે વાતચીત ચાલુ હતી તે વખતે ફરીથી મામલો ગરમાયો હતો અને હાથાપાઇ શરૂ થઇ ગઇ હતી. દોલતસિંહ સોલંકી ઉશ્કેરાયો હતો અને તેણે દોડીને નજીકમાં રહેલી છરી ઉઠાવી હતી. રોષે ભરાયેલા દોલતસિંહના હાથમાં છરી આવતાં ગજેરા બંધુ ભાગ્યા હતા પરંતુ દોલતસિંહે હાર્મેશને ઝડપી લીધો હતો અને છરીના બે ઘા ઝીંકી દીધા હતા. યુવકની હત્યાથી ગજેરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી, હાર્મેશની હત્યાથી તેની ત્રણ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી, પોલીસે હત્યાનો ગુનો નોંધી નાસી છૂટેલા દોલતસિંહ સોલંકીની શોધખોળ શરૂ કરી હતી.