અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. જેમનું 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો
.
ત્યારે આજે રવિવારે મૃતક વૃદ્ધના પરિવારજનો અને સમાજના આગેવાન નરોડા શેલ્બી હોસ્પિટલની બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે. પરિવારજનોની એક જ માગ છે કે, તેમને ન્યાય આપવામાં અને સહાય આપવામાં આવે તેમજ હોસ્પિટલને PMJAY યોજનામાંથી દૂર કરાય. નરોડા શેલ્બી હોસ્પિટલની બહાર ન્યાય આપો ન્યાય આપો અને શેલબી હોસ્પિટલ હાય હાય નારા લગાવ્યા હતા. પ્રતીક ઉપવાસના પગલે હોસ્પિટલની બહાર પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે.
‘ડોક્ટરોની ભૂલના કારણે લીકેજ રહી ગયું હતું’ અમદાવાદના નરોડમાં શેલ્બી હોસ્પિટલમાં વૃદ્ધના મોત મામલે આજે પરિવારજનો હોસ્પિટલની બહાર પ્રતિક ઉપવાસ પર બેઠા છે. પરિવારજનો ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે હોસ્પિટલને PMJAY યોજનામાંથી બાકાત કરવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય મળે તેની માગ કરી રહ્યાં છે.
મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, એક પરિવાર ડોક્ટર ઉપર આશા રાખી ગામડામાંથી શહેરમાં આવતો હોય છે. નરોડા શેલ્બી હોસ્પિટલ PMJAY યોજના હેઠળ ખુલ્લી લૂંટ ચલાવી રહી છે. લોકોને રિફર કરીને અહીંયા બોલાવવામાં આવે છે. દર્દીને લાવવામાં આવ્યા બાદ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેઓની પાસે વારંવાર પૈસા માગવામાં આવ્યા છે. ડોક્ટરોની ભૂલના કારણે લીકેજ રહી ગયુ અને લીવર તેમજ કિડની ઉપર અસર થઈ હતી. ઓપરેશન બાદ મગજમાં લકવો થઈ ગયો હતો. ડોક્ટરોને ખબર ના પડી અને દસ દિવસ બાદ તેમને ખબર પડી હતી. પૈસા આપ્યા નહીં એટલે પૂરી સારવાર કરી નહીં. જેથી એક પરિવારે તેમના સજ્જન ગુમાવ્યા છે અમે સરકારને જણાવીએ છીએ કે આવી હોસ્પિટલોને દંડ કરવું જોઈએ અને PMJAY યોજનામાંથી દૂર કરવી જોઈએ. અમને ન્યાય મળવો જોઈએ અને સીધે સીધી યોજનાની સહાય પરિવારને મળવી જોઈએ.
સારવાર માટે શેલબી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મૂળ ગીર ગઢડાના ચીખલકુવા ગામના રહેતા અમારા મોટા બાપા ઘોહાભાઈ ખાંભલે (ઉ. વ 62)ને પગમાં નસ દબાતી હોવાથી અને પગ કાળા થઈ ગયા હતા. જેના કારણે તેઓને PMJAY યોજના હેઠળ 8 નવેમ્બર 2024ના રોજ નરોડાની શેલબી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને દાખલ કરી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે નોર્મલ હતા પગની બંને નસ બ્લોક હોવાના કારણે ડોક્ટરોએ ઓપરેશન કરવા માટે કહ્યું હતું. જેના માટેની સંમતિ આપી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગના ઓપરેશન કર્યા બાદ તેઓને બહાર લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત લથડતા ફરી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને ઓપરેશન કરી બહાર લાવ્યા હતા.
22 નવેમ્બરે તેમને મગજમાં લકવાની અસર થઈ હતી જ્યારે ડોક્ટરને પૂછ્યું તો ખબર પડી કે નસમાં લીકેજ રહી ગયું હતું જેના કારણે શરીરમાં લોહી રહેવા લાગ્યું હતું. ઓપરેશન કર્યાના 72 કલાક બાદ ફરીથી રિપોર્ટ કરતા ખબર પડી હતી કે, દર્દીને લીવર અને કિડનીમાં તકલીફ થવા લાગી છે. જેથી મૃતકના પુત્ર અને તેમના સમાજના આગેવાને પણ કહ્યું હતું કે, રિપોર્ટ બધા નોર્મલ હતા પણ હવે તકલીફ થવા લાગી છે તો જવાબદારી તમારી છે. આવી રજૂઆત કરવાના કારણે ડોક્ટરે કહ્યું હતું કે, અમે ટ્રીટમેન્ટ કરીશું, પરંતુ ભાનમાં તેઓ આવ્યા નહોતા. જોકે 22 નવેમ્બરના રોજ ખબર પડી કે તેમને મગજમાં લકવાની અસર થઈ ગઈ છે.
ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધનું મૃત્યુ 23 ડિસેમ્બરના રોજ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, તમે સિવિલ હોસ્પિટલ અથવા યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જાવ. PMJAY યોજના હેઠળ પૈસા પાસ થઈ ગયા છે હવે તમારે બીજા પૈસા ભરવા પડશે. જેથી મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, અમે ગરીબ વિસ્તારમાંથી આવીએ છીએ અને પૈસા ભરી શકીએ એમ નથી. હોસ્પિટલના ડોક્ટરોને પૈસા ન મળવાના કારણે અને તેમની બેદરકારીથી આ વૃદ્ધનું મૃત્યુ થયું છે.
વેન્ટિલેટર ઉપર જ રહ્યા અને ભાનમાં આવ્યા જ નહીં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું છે. PMJAY યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવે છે, પરંતુ તકલીફ થાય છે એટલે છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે. પગની નસ દબાતી હોવાની તકલીફ હોવા છતાં પણ ત્યારબાદ તેઓને વધુ તબિયત બગડી અને 12 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું હતું. 30 દિવસ સુધી તેઓએ સારવાર કરી, પરંતુ મોટાભાગનો સમય તેઓ વેન્ટિલેટર ઉપર જ રહ્યા અને ભાનમાં આવ્યા જ નહીં. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયા હોવાના કારણે પરિવારજનોની માગ છે કે, તેમને ન્યાય મળે અથવા પરિવારને સહાય કરવામાં આવે.
ધમનીઓ બંધ થાય તો પગની આંગળી કાળી પડી જાય અગાઉ નરોડા શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડો. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનો દ્વારા જે કોઈ પણ આક્ષેપ કરવામાં આવ્યા છે તે સ્વીકારતા નથી. ઘોહાભાઈ ખાભલેને શેલબી હોસ્પીટલ લાવવામાં આવ્યા હતા. તેમને બંને પગે ચાલવાની સમસ્યા હતી. પગની આંગળી કાળી પડી ગઈ હતી. તેઓને તમાકુ ખાવાની ટેવ હતી. શરીરની ધમનીઓ બંધ થઇ જાય તો પગની આંગળી કાળી પડી જાય છે. તેમના પગને બચાવી શકીયે તે માટે સર્જરી કરી હતી. PMJAY આયુષ્યમાન કાર્ડની એપ્રુવલ બાદ સર્જરી કરી હતી. દર્દી કોમ્પ્લીકેટેડ દર્દી હતું એટલે અપડાઉન હતું. ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી. બ્રેઈનનો MRI થયો હતો.
તમામ સારવાર PMJAY કાર્ડ હેઠળ કરાઈ જેમાં દર્દીના બ્રેઈનના એકબાજુનો ભાગ કામ કરતુ બંધ થયાનો રિપોર્ટ આવ્યો હતો. 3 ડિસેમ્બરે દર્દીની સ્ટેબલ સ્થિતિ જણાઈ હતી જ્યારે 6 ડિસેમ્બરે દર્દીની હાલત બગડી હતી. દર્દીના શરીરના જુદા જુદા ભાગોમાં ઇન્ફેક્શન થયું હતું. 12 ડિસેમ્બરે દર્દીને કાર્ડિયો ફેલીયરને કારણે મૃત જાહેર કર્યા હતા. 30 દિવસ સુધી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં રાખ્યા હતા અને એકપણ રૂપિયો તેમની પાસેથી લેવામાં આવ્યો નથી. તમામ સારવાર PMJAY કાર્ડ હેઠળ કરવામાં આવી છે. કોઈપણ પૈસા માંગવામાં આવ્યા નથી કે અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું નથી.