મેઘરજ એપીએમસીમાં આજે સોયાબીનની ટેકાના ભાવે ખરીદીમાં મોટો વિવાદ સર્જાયો છે. જિલ્લા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખાસ બોલાવવામાં આવેલા અને રજિસ્ટ્રેશન કરાવેલા 10 જેટલા ખેડૂતોનો સોયાબીનનો માલ રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે.
.
તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે હાર્વેસ્ટર મશીનથી કાઢવામાં આવેલા સોયાબીનની ખરીદી કરવામાં આવશે નહીં. માત્ર થ્રેસર મશીનથી કાઢવામાં આવેલા સોયાબીનની જ ખરીદી કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર આધુનિક ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે, જ્યારે બીજી તરફ હાર્વેસ્ટરથી કાઢેલો માલ સ્વીકારવાની ના પાડે છે. ખેડૂતોએ આ મુદ્દે ન્યાયની માંગ કરી છે.
સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ) મળે તે માટે વિવિધ એજન્સીઓને ખરીદીની જવાબદારી સોંપવામાં આવે છે. ખેડૂતોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આજની આ ઘટનાએ ખેડૂતોમાં ભારે નારાજગી ઉત્પન્ન કરી છે અને તેઓ પોતાના હક માટે લડત આપવા તૈયાર થયા છે.