સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભચાઉ તાલુકાના ભુજપર ગામમાં એક મહત્વપૂર્ણ કૃષિલક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ “નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ” યોજના અંતર્ગત યોજવામાં આવી હતી.
.
તાલીમમાં 70 જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆતમાં ખેતી મદદનીશ મહેશ બી. મારવાડીયાએ ખેડૂતોની નોંધણી કરી. યોજના ઇન્ચાર્જ એસ.એમ.પટેલે યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી.
વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. આર.એમ જાડેજાએ ખેડૂતોને ખરીફ ઋતુના પાક આયોજન અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ પાકોની નવી જાતો વિશે પણ માહિતી આપી. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે ખેડૂતોએ આ જ્ઞાનવર્ધક તાલીમ માટે યુનિવર્સિટીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો.